અમદાવાદ: રાજ્યમાં દારુબંધીની કડક અમલવારી માટે સરકાર પ્રયત્નશીવ છે. પોલીસ પણ આ માટે કડક વલણ અપનાવી રહી છે. આજે ગુજરાત પોલીસને એક મોટી સફળતા મળી છે.  સૌરાષ્ટ્રના સૌથી મોટો વોન્ટેડ બુટલેગર ધીરેન કારીયાને અમરેલી એસપીની ટીમે ઝડપી લીધો છે. તમને જણાવ દઈએ કે, ધીરેન કારીયા જૂનાગઢ વોર્ડ નંબર 3 ભાજપના મહિલા કોર્પરેટરનો પતિ છે.


ધીરેન કારીયાનું અમરેલી જિલ્લા સહીત ગુજરાત સૌરાષ્ટ્રમાં દારૂના ધંધામાં સપ્લાયમાં સૌથી મોટું નામ છે. તે દારૂના ધંધામાં માણસો રાખી ધંધા કરતો હતો અનેક જિલ્લામાં દારૂ સપ્લાય કરતો હતો. હવે આ મામલે અમરેલી એસપી હિમકર સિંહની ટીમ એલસીબીને મોટી સફળતા મળી છે. ગુજરાતના 11 જિલ્લાના 18 ગુન્હામાં વોન્ટેડ આરોપી અગાઉ 59 જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે. સામે આવેલી વિગતો અનુસાર મધ્યપ્રદેશ રાજ્યના ઉજૈન શહેરમાંથી ડ્રાઈવર સાથે બુટલેગર ધીરેન કરીયાની એલસીબીએ ધરપકડ કરી છે.


ગુજરાતમાં દારુબંધીને લઈને અનેક સવાલો ઉઠતા રહે છે.અનેક પ્રયાસો છતા રાજ્યનાં દારુના વેંચાણ પર પૂર્ણ પ્રતિબંધો લાદી શકાયા નથી. તો બીજી તરફ પોલીસની કામગીરીને લઈને પણ અનેક વખત સવાલો ઉઠી ચૂક્યા છે. લોકોનો આરોપ છે કે, પોલીસની ઢીલી કામગીરીને કારણે દારુનો વેપલો ચાલી રહ્યો છે.હવે આવી જ ઘટના સામે આવી છે રાજકોટના ઉપલેટામાં.


ઉપલેટામાં સ્થાનિક પોલીસની ઢીલી નીતિથી ત્રસ્ત થઈને કારખાનેદારો દ્વારા જનતા રેડ કરી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.  ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો હોવાનું સામે આવ્યું છે. પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટીયા પાસેના કારખાનેદારોએ એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી.


અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોવાનું કારખાનેદારોએ જણાવ્યું છે. દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહિ લેવાતા જનતા રેડ કરવામાં આવી હતી. જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસને જાણ કરતા અંતે પોલીસ દોડી આવી હતી. પોલીસ દ્વારા દારૂના જથ્થા સાથે બે ઈસમોને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જનતા રેડ બાદ કારખાનેદારો એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. કારખાનેદારો દ્વારા દારૂના વેચાણને અને દૂષણને કાયમી બંધ કરાવવા લેખિત રજૂઆત કરી છે.