BJP: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પર ભાજપના જ બીજા દિગ્ગજ નેતાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. મળતી જાણકારી અનુસાર, અમરેલી ભાજપમાં નવાજૂની થવાના એંધાણ મળી રહ્યા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન બાદ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પ્રદેશ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે સી.આર.પાટીલના નેતૃત્વને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. નોંધનીય છે અગાઉ ગઇકાલે  સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ નામ લીધા સિવાય પાટીલ પર આરોપ લગાવ્યા હતા. તેમણે ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓને પદ આપવા મામલે પ્રદેશ નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા.


ભાજપમાં થયેલી વેલકમ પાર્ટીઓ પર ઉઠાવ્યા સવાલ


નારણ કાછડિયાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે નબળા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસે ભાજપને હંફાવ્યા છે. તે સિવાય ભાજપમાં કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓને સામેલ કરવાને લઇને પણ કાછડિયાએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપમાં થયેલી વેલકમ પાર્ટીઓ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.


પોલીસના નામે ભાજપના કાર્યકર્તાઓને ધમકી અપાતી હોવાનો આરોપ


ઓછા મતદાન મુદ્દે નારણ કાછડિયાએ પ્રહારો કર્યા હતા. કાછડિયાએ દાવો કર્યો હતો કે ભાજપના કાર્યકર્તાઓ સાથે અન્યાય થઇ રહ્યો છે. નામ લીધા સિવાય સી.આર.પાટીલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસના નામે ભાજપના કાર્યકર્તાઓને ધમકી આપવામાં આવી રહી છે. ભાજપની વેલકમ પાર્ટી પર પણ  કાછડિયાએ સવાલ ઉઠાવ્યા હતા. ભાજપના કાર્યકર્તાને સાઈડલાઈન કરી નવા આવનારને હોદ્દો આપનારને ક્યારેય સ્વીકારી શકાય નહીં.


સાંસદ નારણ કાછડીયાએ જણાવ્યું હતું કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી રહ્યા છે એમની જગ્યાએ સવારે કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે અને બપોર પછી તેમને પદ આપે અને બીજા દિવસે ટિકિટ આપવામાં આવે છે તે બિલકુલ યોગ્ય નથી.


કાછડીયાએ જણાવ્યું હતું લોકસભાની ચૂંટણીમાં મતદાનની નિરશતા અને કાર્યકર્તામાં ઉદાસીનતા હતી તેનું મૂળ કારણ કંઈ હોય તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની અવગણના થતી હતી તે નજરે જોઈ છે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને લઈને નારણ કાછડીયાએ કહ્યું હતું કે જે પસંદગી કરી છે તેના કારણે કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરવી પડી છે. અત્યારે અમરેલી લોકસભા બેઠક પર દોઢ લાખ જેવું મતદાન ઓછું થયું છે છતાં ભાજપના ઉમેદવાર જીતી જાય છે તેવી આશા વ્યક્ત કરી હતી.




દિલીપ સંઘાણીએ નામ લીધા વિના પાટીલ પર નિશાન સાધ્યું હતું


 નોંધનીય છે કે ગઇકાલે અમરેલી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી વિશ્વની સૌથી મોટી ઈફકો કંપનીમાં બિનહરીફ ચૂંટાઈ આવતા અમરેલી જિલ્લાના કાર્યકર્તાઓમાં એક ખુશીનો માહોલ છે. પરંતુ દિલીપ સંઘાણીએ નામ લીધા વિના પાટીલ પર નિશાન સાધ્યું હતું.


સંઘાણીએ ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓ મુદ્દે પાટીલ પર નિશાન સાધ્યું હતું. પક્ષ પલટો કરનારાઓને પદ આપવું એને ઈલુ-ઈલુ કહેવાય છે. ઈલુ-ઈલુ કહીને સહકારી ક્ષેત્રને બદનામ કરવાનો પ્રયાસ છે. પ્રદેશ ભાજપમાં ઈફકોની ઉમેદવારી મુદ્દે સંકલનનો અભાવ છે. મેન્ડેટ આપવો એ જ સંકલનની ખામી છે. ઈફકોની જેવી સંસ્થામાં ક્યારે મેન્ડેટ અપાતા નહોતા. જયેશ રાદડિયાને પણ મેન્ડેટની જાણ નહોતી. મને પણ મેન્ડેટની જાણ નહોતી. જયેશ રાદડિયાના ફોર્મ બાદ બિપીનભાઈએ ફોર્મ ભર્યું હતું. સંકલન કર્યું હોત તો આજે આ પરિસ્થિતિ સર્જાઇ ના હોત. સંગઠનના સંકલનના અભાવના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.