Amreli News Updates:  બગસરા શહેરમાં મુખ્ય બજારની દુકાનમાં નીલગાય ઘૂસી જતાં અફડાતફડી સર્જાઈ હતી. સીમ વિસ્તારમાં રખડતા રોજ(નીલગાય) મુખ્ય બજાર સુધી પહોંચી જતાં લોકો પણ અચંબામાં મુકાયા હતા. બગસરાના જૂની શાકમાર્કેટ વિસ્તારની દુકાનમાં નીલગાય ઘૂસી ગઈ હતી. જે બાદ સ્થાનિકો અને દુકાનદાર દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. પોલીસ સહિતનો સ્ટાફ સ્થળ પર આવ્યો હતો અને વન વિભાગ દ્વારા મહામુસીબતે નીલગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કલ્પના વિહોણી ઘટના બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.


અમરેલીના રાજુલા, જાફરાબાદમાં પણ છે નીલગાયનો ત્રાસ


અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં નીલગાયના આંટાફેરાની સાથે ત્રાસ વધતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. રોજડા પાકને નુકશાન કરતા હોય, નીલગાયના ત્રાસથી મુક્તિ મળે તેવી માંગણી ઉઠી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના 72 અને જાફરાબાદ તાલુકાના 45 ગામમાં સિંહ અને દીપડાની વસ્તી-આંટાફેરા વધ્યા હોવાના કારણે નીલગાય હવે ગ્રામ્ય વિસ્તારના ખુલ્લા મેદાનો, ખેતીવાડી વિસ્તારોમાં રખડતા જોવા મળી રહ્યા છે. સિંહ-દીપડાનો ખોરાક બનતા બચવા માટે રોજડા રહેણાંક અને ખેતીવાડી વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. નીલગાય દ્વારા ખેતીપાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન પણ કરવામાં આવતું હોવાથી ખેડૂતોને આર્થિક ફટકો પડી રહ્યો છે. વધુમાં રોજડા અચાનક જ રસ્તા પર ઉતરી આવતા હોવાથી અકસ્માતોની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.




રાજુલામાં સવિતાનગર શેરી નંબર-3માં થોડા દિવસ પહેલા રોજડું આવી ચડયું હતું. તો કાગવદર ગામ પાસે રોડ ઉપર 20 જેટલા પેસેન્જરો સાથેની મિની બસ સાથે નીલગાય ભટકાતા બસ ગુલાટ મારી ગઈ હતી. આ ઉપરાંત નાની-મોટા અકસ્માતોના બનાવો બનતા રહે છે. ત્યારે વધી રહેલા નીલગાયના ત્રાસથી મુક્તિ મળે તેવા પગલા ભરવા ખેડૂતો, સામાન્ય લોકોમાં માંગણી ઉઠી છે.


કમી-કેરાળા ગામે ખેડૂત પર કર્યો હતો હુમલો


અમરેલી જિલ્લાના ધારીના કમી કેરાળા ગામે નીલગાયનો આંતક સામે આવ્યો હતો. જેમાં નીલ ગાયે ખેડૂત પર હુમલો કર્યો હતો. કમી કેરાળા ગામે નીલગાયે ખેડૂતને ઈજાગ્રસ્ત કર્યા હતા. ઘરની બહાર શેરીમાં ખેડૂતને નીલગાય સામસામા થઈ જતાં નીલગાયે ખેડૂત પર હુમલો કર્યો હતો. આ હુમલામાં મનુભાઈ શિરોયા નામના ખેડૂતને ગંભીર ઇજા પહોંચી હતી.જેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ટ્રાંગ્યુંલાઇજ ઇન્જેક્શનથી નીલગાયને બેભાન કરી વનવિભાગે પાંજરે પૂરી હતી