અમરેલી: ગુજરાતમાં દારુબંધી માત્ર કાગળ પર છે તે વાત ફરી એક વખત સાબિત થઈ છે. અમરેલી જિલ્લાના લીલીયામાં પોલીસકર્મી અને બુટલેગરની વાતચીતનો ઓડિયો સમગ્ર જિલ્લામાં વાયરલ થયો હતો. હવે આ વાયરલ વીડિયોને લઈ અમરેલી જિલ્લા પોલીસવડા દ્વારા પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.  અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ભાજપના વિપુલ દુધાત દ્વારા પોલીસ અને બુટલેગરની ઓડિયો કલીપ SPને આપતા પોલીસકર્મીને સસ્પેન્ડ  કરવામાં આવતા પોલીસ બેડામાં સન્નાટો જોવા મળી રહ્યો છે. 


ધંધો કરવા હપ્તાની માંગણી કરી હતી


લીલીયાના પોલીસકર્મી અને બુટલેગર વચ્ચે ધંધો કરવા હપ્તાની માંગણી કરતો હોય તેવી ઓડિયો કલીપ વાયરલ થયા બાદ પોલીસવડા સુધી રજુઆત પહોંચતા પોલીસવડાએ આજે એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો છે. જિલ્લા પોલીસવડાએ આ કેસમા લીલીયાના હેડ કોન્સ્ટેબલ જયસુખ લક્ષ્મણભાઇ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. તેને જાફરાબાદ મરીન પોલીસ મથકમા ફરજ મોકુફીનુ મુખ્ય સ્થળ આપ્યું છે.


હેડ કોન્સ્ટેબલ જયસુખ મકવાણા સસ્પેન્ડ


પોલીસકર્મી જયસુખ મકવાણા સાથે દારૂના બુટલેગરની ઓડિયો કલીપ અમેરેલી જિલ્લા પંચાયતના સદસ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલભાઇ દુધાતે જિલ્લા પોલીસવડાને આપી હતી. તેમણે લીલીયામાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાની જિલ્લા પોલીસવડાને ફરિયાદ કરી હતી.  વિપુલભાઇ દુધાતે જિલ્લા પોલીસવડાને રજુઆત કરી હતી કે અહીં બુટલેગરો ખુલ્લેઆમ દારૂનુ વેચાણ કરે છે અને સામાન્ય નાગરિકોને માનસિક ત્રાસ આપે છે. સ્થાનિક  PSIને વારંવાર ફરિયાદ કરવા છતા તેનો ઉકેલ આવ્યો નથી. આ દરમિયાન જિલ્લા પોલીસવડાએ આ ઓડિયો કલીપનો અવાજ અને વાત કરવાની રીતના આધારે તપાસ કરાવી હેડ કોન્સ્ટેબલ જયસુખ મકવાણાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. જયસુખ મકવાણાએ શીસ્તબધ્ધ પોલીસ ખાતાના કર્મચારીને ન છાજે તેવુ વર્તન કર્યુ હોય તેની સામે આ પગલા લેવાયા હતા. 




વિપુલભાઇ દુધાતે જિલ્લા પોલીસવડાને રજુઆત કર્યા બાદ સ્થાનિક પોલીસ દ્વારા આ અંગે જાણવા જોગ એન્ટ્રી દાખલ કરવામાં આવી હતી.  બાદમા આ ઓડિયો કેસમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. પીએસઆઇ અને અન્ય જવાબદારો સામે પગલા લેવા પણ રજુઆત કરવામાં આવી હતી.  


જિલ્લા પોલીસવડાએ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ઓડિયો ક્લિપમાં જે પોલીસકર્મી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તેનો જ અવાજ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ માલૂમ પડતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.