Amreli: અમરેલીના સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે ચાલતા સોલાર પ્રોજેક્ટ સામે વિરોધનો વંટોળ ઊભો થયો છે ખેડૂતો અને કોગ્રેસના આગેવાનોએ સૂત્રોચાર સાથે પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.


અમરેલી જિલ્લામાં જુદા જુદા વિસ્તારો ચાલતા સોલાર પ્રોજેક્ટ અને પવનચક્કી સામે વિરોધ ઉગ્ર બનતો જાય છે સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે 1000 કરતા વધુ વીઘામાં સોલાર પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સોલાર પ્રોજેક્ટમાં અનેક સર્વે નંબરની જમીન બિનખેતી કરવામાં આવી નથી. સરકારી જમીનમાં દબાણ કરી ગેરકાયદેસર સોલારની પ્લેટો ઊભી કરી દેવામાં આવી છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે કોગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી. આર્થિક વહીવટ કરીને અધિકારીઓ પ્રોત્સાહન આપતા હોવાનો ગંભીર આરોપ સાથે પ્રાંત અધિકારીને આવેદન આપ્યું હતું. આવનારા દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવા આવી હતી.

ઝીંઝુડામાં ચાલતા સોલાર પ્રોજેક્ટ દ્વારા 11 જેટલા ખેડૂતોના રાજાશાહી વખતના ગાડા માર્ગો બંધ કરી દેતા ખેડૂતોની પણ મુશ્કેલી વધી છે ત્યારે રસ્તા ખુલ્લા કરાવવા માટે ખેડૂતોએ માંગ કરી હતી. મામલતદારે સાત દિવસમાં રસ્તા ખુલ્લા કરી દેવા ઓર્ડર કર્યો હતો ત્યારે કંપની દ્વારા પ્રાંત અધિકારીમાં અપીલ કરતાં આજ દિવસ સુધી ખેડૂતોના રસ્તા ખુલ્લા થયા નથી તેના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે કે ગેરકાયદેસર સોલાર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેની સામે નક્કર કાર્યવાહી કરવામાં આવે.  જમીન બિનખેતી કરવામાં નથી આવી સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું છે ખેડૂતોના રસ્તા બંધ કરી દીધા છે. અધિકારીઓ આર્થિક વહીવટ કરી કંપનીને પ્રોત્સાહન પૂરું પાડતા હોવાના આક્ષેપો લગાવ્યા છે.  પ્રાંત અધિકારીએ તમામ આરોપોને નકાર્યા હતા અને આ બાબતે તપાસ કરવામા આવશે તેવી વાત કરી હતી.