Amreli News: સલામત સવારી ગણાતી એસટીની મુસાફરી હવે અસલામત બની રહી છે. ત્રણ દિવસમાં બીજી વખત અમરેલીમાં એસ.ટી બસે પલટી મારી છે. રાંઢીયા રૂટની એસ.ટી.બસ ખાળીયામાં ખાબકી હતી. બસમાં સવાર 10 મુસાફરોમાંથી 2 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ડ્રાઇવરની બેદરકારીને કારણે એસ.ટી.બસે પલટી મારી હતી. રાંઢીયાથી અમરેલી તરફ બસ આવતી હતી ત્યારે આ ઘટના બની હતી.અમરેલીના દહીડા અને પીપળલગની વચ્ચે એસ.ટી.બસ પલટી ખાઇ ખાળીયામાં ખાબકી હતી. ઘટના બાદ પસાર થતાં લોકો દોડી આવ્યા હતા અને મુસાફરોને બહાર કાઢ્યા હતા.


બે દિવસ પહેલા જાનૈયા ભરેલી બસે ધારી નજીક મારી હતી પલટી


અમરેલી જિલ્લાના ધારી નજીક રાજકોટના પરિવારની લગ્નની જાનની બસને અકસ્માત નડતા 25થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા હતા. બસના ડ્રાઇવરે બેલેન્સ ગુમાવી દેતા પલટી ગઇ હતી. જેમાં 25થી વધુ લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ દુર્ઘટના બનતાની સાથે જ આસપાસના વિસ્તારોનાં લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને બસમાંથી ઈજાગ્રસ્ત જાનૈયાઓને બહાર કાઢીને સારવાર માટે હોસ્પીટલે ખસેડવાની પ્રક્રિયા કરી હતી. સરકારી તંત્ર પણ એમ્બ્યુલન્સનાં કાફલા સાથે દોડી આવ્યું હતું. ઈજાગ્રસ્તોને આંબરડી, ધારી તથા આસપાસના સરકારી આરોગ્ય કેન્દ્રો પર ખસેડવામાં આવ્યા હતા.


પ્રેમીને પામવા પતિનું કાસળ કાઢનારી પરીણિતાને કોર્ટે ફટકારી આવી સજા


કપડવંજ તાલુકામાં પ્રેમીને પામવા પરીણિતાએ પતિનું કાસળ કાઢી નાંખ્યું હતું. પતિની હત્યાના મામલે કોર્ટે હત્યારી પત્નીને આજીવન કેદ અને અગિયાર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પરિણિતાને લગ્ન પહેલાં જ આડા સંબંધો હતાં. જેથી લગ્ન બાદ તેને પતિ ગમતો નહતો. સાટામાં લગ્ન કર્યા હોવાથી છુટાછેડા થઈ શકે તેમ નહોતા. જેથી તેણે પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.


કપડવંજ તાલુકાના સાલોડ ગામના ખેંગારભાઈ મહીજીભાઈ ભરવાડના લગ્ન કમુબેન સાથે સમાજના રીતિ રિવાજ મુજબ સાટામાં થયા હતા. જ્યારે ખેંગારભાઈની બેનના લગ્ન કમુબેનના ભાઈ સાથે થયા હતા. જોકે કમુબેનને લગ્ન પહેલાથી જ રાજદીપ બહાદુર મકવાણા નામના યુવક સાથે આડાસંબંધ હતા. પરંતુ સાટામાં લગ્ન કરેલ હોવાથી છુટાછેડા થઈ શકે તેમ નહોતા. કમુબેન પોતાના પતિ ખેંગારભાઈ સાથે છૂટકારો મેળવવા ઇચ્છતી હતી. જેથી તેણે પતિને પતાવી દેવાનું નક્કી કરી લીધું હતું.