Banaskantha News: કાંકરેજના ઉંબરીમાં અકસ્માતનો મામલો સામે આવ્યો છે. અહીં બાઈકના અડફેટે આવતા એક બાળકીનું મોત નીપજ્યું છે. બાળકની અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જે બાદ તેને સારવાર માટે શિહોરી ખાતે હોસ્પિટલે ખસેડાઈ હતી. જો કે, સ્થિતિ વધુ ગંભીર હોવાથી શિહોરીથી ડીસા વધુ સારવાર અર્થે ખસેડાય તે પહેલા બાળકીનું મોત નિપજ્યું હતું.
મૃતક બાળકીની ઉંમર 8 વર્ષની હતી અને તેનું નામ જાનુબેન વાલ્મિકી હતું. બાળકીના મોતને પગલે પરિવારમાં માતમ છવાયો છે. હાલમાં શિહોરી પોલીસે ઘટનાની જાણ થતા બાઈક સવારની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
જામનગરમાં પાણીમાં ડૂબવાથી એક જ પરિવારના 3 સહિત 5 લોકોના મોત
એક તરફ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ જામનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સપડા ગામ નજીક સપડા ડેમમાં પાંચ લોકો ડૂબ્યા હોવાની વાત સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ લોકોમા મોત થયા છે.
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ કરવાની કામગીરી શરુ કરી હતી. સામે આવેલી વિગતો અનુસાર ફાયર વિભાગે 4 વ્યક્તિના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જો કે, એક વ્યક્તિનો મૃતદેહ શોધવામાં ફાયર બ્રિગેડને ભારે મહેનત કરવી પડી હતી. આ પાંચ મૃતકોમાં એક જ પરિવારના 3 લોકો હતા. 5 લોકોના અચાનક મોત થતા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તો બીજી તરફ નદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
ધોરાજીમાં મહોરમ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં 15 લોકોને લાગ્યો વીજ કરંટ
આજે દેશભરમાં મહોરમનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજકોટના ધોરાજીમાં એક ઘટના બની છે. ધોરાજીના રસુલપરા વિસ્તારમાં ઝુલુસ દરમિયાન તાજીયો વીજ લાઈનને અડી જતાં શોર્ટ સર્કિટ થઈ હતી. જેમાં 15 જેટલા લોકોને કરંટ લાગતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. PGVCL ની વીજ લાઈનમાં તાજિયો અડી જતાં ઘટના બની હતી. ઇજાગ્રસ્તોને ધોરાજી સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. ત્રણ વ્યક્તિઓ વધુ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલોમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. સામે આવેલા નવા અપડેટ પ્રમાણે, સારવાર લઇ રહેલા બે વ્યક્તિઓના હૉસ્પિટલમાં મોત થયા છે.