બનાસકાંઠા:  બનાસકાંઠાના  ડીસામાં બનાસકુલ પાસે બસ અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના બની છે. ટેમ્પો-રીક્ષામાં ભરેલા લોખંડના સળિયા બસમાં ઘૂસી ગયા હતા. બસના કંડકટર સહિત આઠથી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે.  ડીસા અને ગઢ સહિતની ત્રણ 108 એમ્બ્યુલન્સ વાન ઘટના સ્થળે પહોંચી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. 




આ અકસ્માતની ઘટનાને લઈ સ્થળ પર મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. લોકો  રાહત કામગીરીમાં જોડાયા છે.  અકસ્માતને પગલે રોડ પર  બે કિલોમીટર સુધી ટ્રાફિકજામ સર્જાયો છે.  


આ અકસ્માતની ઘટનામાં પ્રાથમિક અહેવાલ અનુસાર, છકડો રિક્ષાએ રોંગ સાઈડમાં ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા બસ સાથે અથડાઈ હતી. આ છકડો રિક્ષામાં રહેલા લાંબા સળીયા બસની અંદર ઘૂસી ગયા હતા. જેના પગલે લોકોને ગંભીર ઈજાઓ થવા પામી હતી.


ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીના બ્રિજ પર એસ.ટી.બસ અને છકડો રિક્ષા વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતા. આ અકસ્માતમાં 7 લોકોને ઇજાઓ પહોંચી છે. જેમાં બે ઇજાગ્રસ્તો ગંભીર હોવાથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા છે.


ભાવનગર-તળાજા નેશનલ હાઇવે પર સાણોદરના પાટીયા પાસે ટ્રક પાછળ બાઈક ઘૂસી ગઈ, 2 યુવકનાં મોત

રાજયમાં અકસ્માતનો સિલસિલો વણથંભોય છે. ભાવનગર- તળાજા નેશનલ હાઈવે પરે સાણોદરના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સાણોદરના પાટીયા પાસે પાર્ક કરેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી જતા બાઈક સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતા. જે બાદ તમામને સારવાર માટે ભાવનગર સર.ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસી બે યુવકોને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય યુવકો વાવડી ગામેથી સીમંત પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતા તે સમયે અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં નિલેષ અને અનિલ નામના યુવાનનું મોત નીપજ્યું છે, ત્રણેય યુવકો ભાવનગર નજીકના સિદસર ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.


ડંપર ચાલકે બાઇક સવારને મારી ટક્કર, ઘટના સ્થળે જ મોત

અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરમાં એસ.જી હાઇવે કારગિલ પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે મિક્ષ્ચરના ડંપર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માત સર્જી ડંપર મિક્ષ્ચર ચાલક ફરાર થઈ ગયો હતો. એ ડીવીઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.