Gujarat Rain Update: આજે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ અરવલ્લીમાં કશ્મીર જેવો માહોલ જોવા મળ્યો છે. વણીયાદ મોડાસા તરફના રસ્તા પર બરફના કરાની ચાદર જોવા મળી છે. ભારે કરા પડતા રોડ કરાથી ઢંકાઈ દયો હતો.


 



માલપુર નગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માલપુર નગરના મુખ્ય માર્ગો નદીઓ બન્યા હતા. ફાગણના ઉત્તરાર્ધમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.


રાજ્યના અનેક વિસ્તારોમાં ભર ઉનાળે છવાયો વરસાદી માહોલ


હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ પડ્યો છે. સૌ પ્રથમ વાત કરીએ વડોદરાની તો અહીં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઢંકાઈ ગયું હતું અને ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. હરણી, નિઝમપુરા,સમાં, છાણી, કારેલીબાગમાં વરસાદ પડ્યો હતો.


કચ્છમાં કમોસમી વરસાદ યથાવત 


તો બીજી તરફ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. માંડવી, નખત્રાણા બાદ હવે મુંદ્રા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. પૂર્વ કચ્છના પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ કચ્છના અંજાર સહિત આસપાસ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.


મહીસાગરના વાતાવરણમાં પલટો


મહીસાગર જિલ્લાના કડાણા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વાદળછાયા વાતાવરણ બાદ કડાણા અને દીવડા પંથકમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજી તરફ વરસાદના કારણે વાવેતર કરેલ પાકને નુકસાનની ભીતિને લઈ ખેડૂત ચિંતિત થયા છે.


અરવલ્લીમાં વરસાદી માહોલ


અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. મોડાસાના ગ્રામીણ પંથક ઈસરોલ, જીવનપુર, ટીટોઈ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વરસાદ પડશે તો ઘઉં, ચણા સહિતના પાકને નુકશાન થવાની ભિતિ છે.


રાજ્યમાં બે દિવસ કરા સાથે કમોસમી વરસાદની આગાહી


રાજ્યમાં બે દિવસ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બરફના કરા સાથે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક શહેરોમાં કમોમસી વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, બોટાદ, અમરેલીમાં વરસાદ પડી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે, આવતીકાલ સાંજથી માવઠાનું જોર ઘટશે. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ પડશે.