ભરૂચ: ભરૂચના નબીપુરા પાસે નેશનલ હાઈવે પર લોકોએ ઈંડાની લૂંટ મચાવતાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. શનિવારે સવારે ઈંડા ભરીને જઈ રહેલી ગાડી પલ્ટી ખાતાં રસ્તા પર ઈંડા વેરાઈ ગયાં હતાં. આ વાતની ખબર પડતાં જ ઘણતરીની મીનિટોમાં ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

રસ્તા પર ઈંડા વેરાયેલા જોઈ લોકો જાણે જિંદગીમાં ક્યારેય ઈંડા ના જોયા હોય તેવી રીતે ઈંડાની લૂંટ ચલાવવાનું કરી દીધું હતું. જેના હાથમાં જે કંઈ આવ્યું તે લઈ લોકો પોતાના ઘરે દોડતા જોવા મળ્યાં હતાં. કેટલીક મહિલાઓ તો સાડીની ઝોળી બનાવી તેમાં ઈંડા ભરીને દોડતી જોવા મળી હતી.

નોકરી પર જવા નીકળેલા કેટલાંક નોકરિયા લોકો પણ હાઈવે પર પડેલા ઈંડા લઈને ઘરે દોડ્યાં હતાં. ગળામાં આઈકાર્ડ લટકતા હોય તેવા લોકો પણ ઈંડા ઉઠાવતા જોવા મળ્યાં હતાં. જ્યારે કેટલાક લોકો તો પોતાના ઘરેથી ડોલ અને વાસણો લઈ આવ્યા હતા અને તેમાં ઈંડા ભરીને દોડતાં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં.
લોકો રસ્તામાં પડેલા ઈંડા તો લઈ ગયા પરંતુ ગાડીમાં હતાં તે પણ ઈંડા લોકો લઈને ઘરભેગા થવા લાગ્યા હતા. જાહેરમાં આવા નાટકીય દ્રશ્યો સર્જાયા બાદ આખરે પોલીસે આવીને માંડ સ્થિતિ કાબૂમાં લીધી હતી.

આ અકસ્માતને કારણે ફુટેલા ઈંડાથી રસ્તા પર ઈંડાની કરચો તેમજ તેની અંદરનું પ્રવાહી ફલાઈ ગયા હતા. જેને સાફ કરવા માટે મશીન બોલાવવામાં આવ્યું હતું અને ખાસ્સી જહેમત બાદ આખરે રસ્તો ખૂલ્લો મૂકાતા ટ્રાફિક ક્લિયર થઈ શક્યો હતો.