અમદાવાદઃ કોરોના મહામારીમાં હાલ રાજ્યમાં ઓનલાઈન એજ્યુકેશન અપાઈ રહ્યું છે. આ દરમિયાન સ્વ નિર્ભર શાળાઓ દ્વારા વસૂલવાની થતી ફી બાબતે શિક્ષણ વિભાગ દ્વારા લેખિત ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં મુજબ 25 ટકા ટ્યુશન ફી માફ કરવામાં આવશે. આ ઉપરાંત 2020-21ની ફી 50 ટકા રકમ 31 ઓક્ટોમ્બર સુધી ભરવાની રહેશે.


2019-20ની ફી જો બાકી હોય તો તે પણ 31 ઓક્ટોબર સુધી ભરપાઈ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. 31 ઓક્ટોમ્બર સુધીમાં વાલીઓ ફી ના ભરી શકે તો સ્કૂલ સમક્ષ કારણ રજુ કરવાનું રહેશે . શાળા સંચાલકોએ કેસ ટુ કેસ ગુણદોષને ધ્યાનમાં લઈને હકારાત્મક નિવારણ લાવવાનું રહેશે. જો સામાન્ય સંજોગોમાં સક્ષમ ન હોય તો શાળા સંચાલકો પાસે રજુઆત કરવી પડશે. વાલીઓ અનુકૂળતાએ ફી ભરી શકે તેવો ઠરાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



શૈક્ષણિક વર્ષ 2020-21મા ગુજરાતમાં આવેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, CBSE, ICSE, IB તથા અન્ય બોર્ડ સંલગ્ન સ્વ નિર્ભર શાળાઓ કોઈપણ પ્રકારનો ફી વધારો નહીં કરી શકે. શાળાઓ કોઈ જ વૈકલ્પિક પ્રવૃતિઓ-સુવિધાઓ સહિત કોઈ ઈતર ફી પણ નહીં લઈ શકે. જે વાલીએ આ ફી ભરી દીધો હોય તેમને આગામી સમયમાં લેવાની થતી ફી સામે આ રકમ સરભ કરી આપવાની રહેશે. સ્કૂલો માત્ર ને માત્ર ટ્યૂશન ફી જ લઈ શકશે.

વાલી પોતાની અનુકૂળતા શૈક્ષણિક વર્ષ 2020-21માં ફીની રકમ માસિક ધોરણે કે એકસાથે પણ ફરી શકશે. ફી વિલંબ થાય તો શાળા વાલી કે વિદ્યાર્થી પાસેથી કોઈ દંડ નહીં વસૂલ કરી શકે.