ગાંધીનગરઃ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને સુરત કોરોનાવાયરસના હોટ સ્પોટ તરીકે ઉભર્યાં છે. આ શહેરોમાં મોટા પ્રમાણમાં કોરોનાવારસના ચેપના કસો નોંધાયા છે ત્યારે આણંદ જિલ્લાનું નાનકડું ખંભાત કોરોનાના કેસોમાં આ મોટાં શહેરોને ટક્કર આપી રહ્યું છે.

બુધવારે આણંદ જિલ્લામાં વધુ 12 કેસ પોઝીટીવ નોંધાયા છે અને આ તમામ કેસ આણંદના ખંભાત  શહેરમાં નોંધાયા છે. ખંભાતમાં  12 કેસ પોઝીટીવ મળતાં ખળભળાટ મચી ગયો છે. ખંભાતમાં નવા નોંધાયેલા કેસોમાં 8 પુરુષ અને 4 મહિલાના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, ખંભાત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આ કેસ મળી આવ્યા છે. આ નવા 12 કેસો સાથે આણંદ જિલ્લામાં કોરોનાના દર્દીઓનો કુલ આંક 77 પર પહોંચ્યો છે. આ પૈકી માત્ર ખંભાતમાંથી અત્યાર સુધી 60 કેસ મળી આવ્યા છે. આણંદ જિલ્લાના 75 ટકા કેસો ખંભાતમાંથી જ નોંધાયા છે એ ચોંકાવનારી બાબત છે.

ગુજારતમાં 24 કલાકમાં નોંધાયા 226 નવા કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 226 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 19 લોકોનાં મોત થયા છે. એકલા અમદાવાદમાં 164 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 3774 પર પહોંચ્યો છે અને કુલ મૃત્યુઆંક 181 થયો છે.

રાજ્યમાં જે નવા 226 કેસ નોંધાયા છે, તેમાંથી અમદાવાદમાં 164 કેસ, આણંદ-9, ભરૂચ 2,ભાવનગર 1, બોટાદ 6, ગાંધીનગર 6,રાજકોટ 9,સુરતમાં 14 અને વડોદરામાં 15 કેસ નોંધાયા છે.