ગાંધીનગર:  ગુજરાતને નવા મુખ્યપ્રધાન મળી ચૂક્યા છે. ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતને 2022 વિધાનસભા ચૂંટણી પહેલા 22મા મુખ્યપ્રધાન પણ મળી ચૂક્યા છે. ભારે ચર્ચા વિચારણા અને ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે ભુપેન્દ્ર પટેલના નામ પર આખરી મહોર લાગી અને નવા મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી.  આવતીકાલે ભૂપેંદ્ર પટેલની શપથવીધી યોજાશે. 


ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેને ટ્વિટ કરી ગુજરાતના નવા મુખ્યમંત્રીને શુભેચ્છાઓ પાઠવી છે. આનંદીબેન પટેલે ટ્વિટ કરતા લખ્યું, ગુજરાત રાજ્ય નાં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયા વિધાનસભા લોકપ્રિય પ્રતિનિધિ શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની નિયુકતી બદલ કોટી કોટી શુભકામનાઓ.તેઓ નાં અનુભવી નેતૃત્વ માં ગુજરાત રાજ્ય ઉત્તરોત્તર પ્રગતિ નાં સોપાનો સર કરે એજ શુભકામનાઓ.... અભિનંદન...જય જય ગરવી ગુજરાત.



ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર પસંદગીની મહોર મારવામાં આવી છે. તેઓ અમદાવાદની ઘાટલોડિયા બેઠકના ધારાસભ્ય છે. તેઓ ભાજપના એક સાદગીભર્યા અને જમીની સ્તરના કાર્યકર છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમાં પાટીદાર મુખ્યમંત્રી છે. આ પહેલા બાબુભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને આનંદીબેન પટેલ રાજ્યની ધૂરા સંભાળી ચુક્યા છે. 


 


સિવિલ એન્જિનિયર


 


તેઓનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ તેઓ ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા. તેમણે 117,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.


 


સરદાર ધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને ઔડા સાથે સંકળાયેલા 59 વર્ષીય ભૂપેનિન્દ્ર પટેલને એક સમયે રૂપાણી સરકારની એટલી હદે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા કે કેબિનેટ સુદ્ધામાં પણ સમાવેશ કરવામાં આવ્યો નહતો.  ચાર વર્ષ પહેલા રચાયેલી રૂપાણી સરકારના મંત્રીમંડળમાં  ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાંથી બાદબાકી કરવામાં આવી હતી. આ સમયે કાર્યકરોમાં આશ્ચર્ય ફેલાયું હતુ કે રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકોના પરિણામમાં સૌથી વધુ 1.17 લાખની લીડ સાથે ભૂપેન્દ્ર પટેલ ચૂંટાયા હતા.


 


ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારર્કિર્દી


 


- ભાજપના પાયાના કાર્યકર


 


- ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે


 


- અમદાવાદ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહ્યા હતા


 


- ઘાટલોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય


 


- આનંદીબહેન પટેલના સ્થાને ઘાટલોડિયા બેઠક પરથી લડ્યા ચૂંટણી હતા


 


- 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શશિકાંત પટેલ સામે 1.17 લાખ મતની લીડ સાથે જીત્યા હતા


 


- પાટીદાર સમાજનું કરે છે નેતૃત્વ