Anandiben Patel education remarks: અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વર્તમાન શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર અને ચિંતાજનક ટિપ્પણીઓ કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે યુનિવર્સિટીઓમાં અપાતી ડિગ્રીઓ હવે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ છે. આ દૂષણને ડામવા માટે તેમણે ઉત્તર પ્રદેશમાં અપનાવાયેલી 'ડીજી લોકર' (DigiLocker) પદ્ધતિનું ઉદાહરણ આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે આંગણવાડીઓની પાયાની સુવિધાઓના અભાવ સામે યુનિવર્સિટીઓને મળતી અઢળક ગ્રાન્ટના ઉપયોગ પર પણ વેધક સવાલો ઉઠાવ્યા હતા.
"ડિગ્રીઓમાં ભ્રષ્ટાચાર રોકવા યુપી મોડેલ અપનાવો"
શિક્ષણ જગતમાં ચાલતી ગેરરીતિઓ પર પ્રહાર કરતા આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીઓ દ્વારા એનાયત કરવામાં આવતી ડિગ્રીઓ ઘણી જગ્યાએ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ચૂકી છે. તેમણે ઉત્તર પ્રદેશમાં થયેલા સુધારાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "યુપીમાં અમે આ ભ્રષ્ટાચારને રોકવા માટે ટેકનોલોજીનો સહારો લીધો છે. ત્યાં છેલ્લા 4 વર્ષથી વિદ્યાર્થીઓને ફિઝિકલ ડિગ્રીને બદલે 'ડીજી લોકર' (DigiLocker) માં ડિગ્રી સબમિટ કરવામાં આવે છે." આ પદ્ધતિથી બનાવટી ડિગ્રીઓ અને વહીવટી ભ્રષ્ટાચાર પર લગામ લગાવવામાં મોટી સફળતા મળી છે.
આંગણવાડી vs યુનિવર્સિટી: ગ્રાન્ટના ઉપયોગ પર સવાલ
પોતાના વક્તવ્યમાં તેમણે પાયાના શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ વચ્ચેના સંસાધનોની અસમાનતા પર ગંભીર ટકોર કરી હતી. આનંદીબેને કહ્યું હતું કે, એક તરફ પાયાનું શિક્ષણ આપતી આંગણવાડીઓ પાસે પોતાના પાકા મકાનો પણ નથી, જ્યારે બીજી તરફ યુનિવર્સિટીઓને સરકાર તરફથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમણે તંત્રને પ્રશ્ન કર્યો હતો કે, "આ કરોડોની ગ્રાન્ટ ખરેખર ક્યાં જાય છે? તેનું શું કામ થાય છે તે જરા તપાસો તો ખરા." તેમણે કટાક્ષ કરતા કહ્યું કે મોટાભાગે આ ગ્રાન્ટનો ઉપયોગ યુનિવર્સિટીના મોટા-મોટા ભવનો (Buildings) બાંધવામાં જ થઈ જાય છે, પણ મૂળભૂત સુવિધાઓનું શું?
આંગણવાડી બહેનોની કામગીરી પર ચિંતા
આનંદીબેન પટેલે આંગણવાડી કાર્યકરોની બદલાતી ભૂમિકા પર પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "આંગણવાડી બહેનોનું મુખ્ય અને પવિત્ર કાર્ય બાળકોને સારા સંસ્કાર આપવાનું અને તેમનું ઘડતર કરવાનું છે." પરંતુ વાસ્તવિકતા એ છે કે તેમને શિક્ષણ સિવાયની અન્ય સરકારી અને વહીવટી કામગીરીઓમાં જોતરી દેવામાં આવે છે, જે અત્યંત દુઃખદ બાબત છે. બાળકોના ભવિષ્ય માટે આંગણવાડી બહેનોને તેમના મૂળ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા દેવું જોઈએ તેવી હિમાયત તેમણે કરી હતી.