Gujarat Rain: 6 જુલાઈથી રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 જુલાઈથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને ભરૂચમાં ભારે વરસાદ રહેશે. તો ગીર સોમનાથ, જૂનાગઢ પોરબંદર, મોરબી, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે.
જો કે આગામી 3 દિવસ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પવનની ગતિમાં 4 જુલાઇથી વધારો થશે. સરક્યુલેશન સિસ્ટમ સક્રીય થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ 4થી 7 જુલાઈથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩ જુલાઇ, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાક પૂરા થતાં ગત ૨૪ કલાક દરમિયાન ગીર સોમનાથના તાલાલા તાલુકામાં ૮૭ મિ.મી., ભરૂચના વાલિયા તાલુકામાં ૬૫ મિ.મી., જૂનાગઢના માંગરોળ તાલુકામાં ૫૯ મિ.મી. કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે જૂનાગઢના કેશોદ, વંથલી અને વલસાડના કપરાડામાં ૪૧ મિ.મી., દાહોદ તાલુકામાં ૩૬ મિ.મી., માળિયા હાટીના તાલુકામાં ૩૫ મિ.મી., સુત્રાપાડા અને ડોલવણ તાલુકામાં ૩૪ મિ.મી., ધરમપુર તાલુકામાં ૩૩ મિ.મી., ગઢડા અને ડાંગ-આહવા તાલુકામાં ૩૦ મિ.મી., ગારીયાધાર અને ખાંભા તાલુકામાં ૨૮ મિ.મી., અને રાજુલા તાલુકામાં ૨૫ મિ.મી. એમ કુલ ૧૩ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં કુલ મળી ૮૩ જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૩૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૮૭.૪૪ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૪૬.૭૧ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૨૯.૨૯ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૨૬.૦૯ ટકા, પૂર્વ ગુજરાત ઝોનમાં ૨૦.૪૦ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ મોટી આગાહી કરી હતી. અંબાલાલ પટેલના મતે રાજ્યમાં સાત જૂલાઇથી ભારે વરસાદ વરસશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે હજુ પણ આગામી દિવસોમાં બે તબક્કામાં મેઘરાજા ગુજરાતના અનેક વિસ્તારમાં મન મૂકીને વરસશે. આગામી 7 થી 15 જૂલાઇ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ઉપરાંત 25 જૂલાઇથી 8 ઓગસ્ટ સુધીમાં ફરી એક વખત ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડશે. ગુજરાતની અંદર એક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે અને બીજી વધુ એક સિસ્ટમ આવનારા દિવસોમાં બનશે. જેના પરિણામે પવન સાથે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.