ગુજરાતમાં બે દિવસના વિરામ બાદ આજથી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક સ્થળે આગામી ૩ દિવસ તાપમાન ૨થી ૪ ડિગ્રી સુધી ઘટતાં ઠંડીના ચમકારામાં વધારો અનુભવાશે.


હાલ ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશાનો પવન છે. આગામી ૩ દિવસ તાપમાનમાં ૨-૪ ડિગ્રીનો ઘટાડો અનુભવાશે. આ પછીના બે દિવસ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં તબક્કાવાર ઘટાડો થશે.

ગુરૂવારના ૧૧.૫ ડિગ્રી સાથે વલસાડમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આ સિવાય કેશોદમાં ૧૧.૮, ગાંધીનગરમાં ૧૨, ડીસામાં ૧૨.૮, વડોદરા-ભાવનગરમાં ૧૫, નલિયામાં ૧૫.૧, ભૂજમાં ૧૫.૪, રાજકોટમાં ૧૭.૧, સુરતમાં ૧૮.૬ ડિગ્રી તાપમાન હતું.

અમદાવાદમાં ૩૦.૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રીનો વધારો જ્યારે ૧૪.૩ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૩ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં ૧૧થી ૧૨ ડિગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.