ગાંધીનગરઃ રાજ્યના ચાર મહાનગરોમાં વિવિધ વિકાસ કામો માટે કુલ 253 કરોડ રૂપિયાના કામોની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે.  જેમાં અમદાવાદ માટે રૂપિયા 110 કરોડ, સુરતમાં ફલાયઓવર માટે રૂપિયા 70 કરોડ, વડોદરામાં ખાનગી સોસાયટી જનભાગીદારી કામો માટે 63 કરોડ 63 લાખના કામોને લીલીઝંડી આપવામાં આવી છે. જ્યારે જામનગરમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે 9 કરોડ 16 લાખ રૂપિયાના કામો મંજૂર કરાયા છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં 81 જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર, ડ્રેનેજ લાઇન તથા નવા હેલ્થ સેન્ટર માટે 110 કરોડ રૂપિયા ફાળવવા મુખ્ય મંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો-નગરોમાં વિવિધ વિકાસ કામો તથા આઉટગ્રોથ વિસ્તારના કામો માટે ગ્રાન્ટ ફાળવવાનો આગવો અભિગમ અપનાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે રાજ્યના ૪ મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગર માટે કુલ મળીને રપ૩ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે.  અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના આઉટગ્રોથ એરિયામાં ૮૧ જેટલા રસ્તા, પેવર બ્લોક, ડ્રેનેજ લાઇન, પીવાના પાણીની પાઇપલાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન તથા નવા હેલ્થ સેન્ટર માટે કુલ ૧૧૦ કરોડ રૂપિયા ફાળવવા ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.



તેમણે સુરત મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સહારા દરવાજા રિંગરોડ ફલાય ઓવર બ્રીજથી કરણી માતાના ચોક સુધીના ફલાય ઓવરબ્રીજના કામ માટે વધારાના ૭૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. એટલું જ નહિ, વડોદરા મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જનભાગીદારીના કામો, જુદા જુદા સી.સી રોડ, સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ લાઇન તથા પાણીની પાઇપલાઇનના મળીને ૧૧૨૯ કામો માટે ૬૩.પ૩ કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે

આ ત્રણ મહાનગરો ઉપરાંત જામનગર મહાનગરમાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે કુલ-૯ રસ્તાના કામો માટે ૯.૧૬ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં રાજ્યના આ ચાર મહાનગરોમાં જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા રૂ. રપ૦ કરોડ ઉપરાંતની રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.