સુરતઃ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. આજે સાંજે સુરત આપના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા છે. 


નોંધનીય છે કે, સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના કુલ 27 કોર્પોરેટરો છે. જેમાંથી પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાઇ ગયા છે. આ કોર્પોરેટરો સંપર્ક વિહોણા હોવાની કબૂલાત આજે બપોરે જ આમ આદમી પાર્ટીએ કરી દીધી હતી. સુરત શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ  નાવડીયાએ જણાવ્યું હતું કે, આ કાઉન્સિલરો સંપર્ક વિહોણા છે. અમે તેમના ઘરે જઈને તપાસ કરી છે. પક્ષ વિરોધી કામગીરી કરનારા કાઉંસિલરો વિરુધ્ધ કાર્યવાહી કરાશે. પક્ષ વિરોધી કામગીરી કરાનારાઓને નહીં ચલાવી લેવાય.


સુરતના પાંચેય કોર્પોરેટરો તેમના સંપર્કમાં ન હોવાની આપ શહેર પ્રમુખે કબૂલાત કરી હતી. કોર્પોરેટર વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને ઋતા દૂધાતરા  સંપર્કમાં નથી. પાંચેય કોર્પોરેટર ગાંધીનગરમાં હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. સુરત મનપામાં આપમાં ગાબડું પાડવા ભાજપે કમર કસી હતી. ભાજપના મંત્રીઓની નજીક ગણાતા બિલ્ડર બટુક મોવલિયાને ભાજપે મેદાનમાં ઉતર્યા હતી. બટુક મોવલિયાએ ગાંધીનગરમાં ધામા નાંખ્યા હતા. મંત્રી આવાસમાં બટુલ મોવલિયા આજે નજરે પડ્યા હતા. 


મહેશ સવાણીએ રાજીનામું આપતાં જ સુરતમાં આપ તૂટવાની શરૂઆત થઈ છે. સુરતમાં વોર્ડ નંબર 2ના કાઉન્સિવર ભાવના સોલંકી, વોર્ડ નંબર 3ના રૂતા દુધાગરા, વોર્ડ નંબર 8ના જ્યોતિકા લાઠિયા અને વોર્ડ નંબર 16ના કોર્પોરેટર વિપુલ મોવલિયા રાજીનામું આપ્યું હતું. 


આપના કોર્પોરેટર વિપુલ મોવલિયાને પાર્ટીએ નોટિસ આપી હતી. પાર્ટીમાંથી કાઢી કેમ ન મુકવા તે અંગે ખુલાસો માંગ્યો હતો. વિપુલ મોવલિયા વોર્ડ નંબર 16ના આપના નગરસેવક છે. વિપુલ મોવલિયાને પાર્ટી વિરુદ્ધની કામગીરીની આશંકાએ નોટિસ આપવામાં આવી હતી. વિપુલ મોવલિયા પાસે તેઓને કેમ પાર્ટીમાંથી કાઢવામાં ના ન આવે તેનો ખુલાસો માંગવામાં આવ્યો હતો.