ગાંધીનગર:  ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયકની ચર્ચા દરમિયાન અર્જુન મોઢવાડીયાનો અવાજ રૂંધાયો હતો. વિધેયક પર બોલતા અર્જુન મોઢવાડિયા ભાવુક થયા હતા. વિદ્યાર્થીઓને પોલીસ હવાલે ના મૂકવા જોઈએ તેવી દલીલ દરમિયાન ભાવુક થયા હતા મોઢવાડીયા. વિધેયકની કલમ 12 અને 9માં સુધારો કરવાના સૂચન સાથે મોઢવાડીયા ભાવુક થયા હતા. પોતાના વિદ્યાર્થીકાળને યાદ કરતા કોંગ્રેસ નેતા ભાવુક થયા હતા.


 



તેમણે કહ્યું કે, ભાજપ 2014થી અમૃતકાળ ગણે છે. અમૃતકાળને યુવાનો માટે વિષકાળ બનાવી દેવામાં આવ્યો છે. આ સરકાર જ ફૂટેલી છે. સરકાર ફુટેલી છે એટલે પેપર ફૂટે છે. અત્યાર સુધી 10 જેટલી પરીક્ષા પેપર ફૂટવાને કારણે હજુ સુધી લેવાઈ નથી. અનેક અધિકારી આ પેપરકાંડમાં જોડાયેલા છે. આજ જે બિલ મુકવામાં આવેલું તે ભૂલ ભરેલુ બિલ છે. આ બીલમાં ધોરણ 10,12 અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને 3 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. કૉંગ્રેસ દ્વારા સુધારો રજૂ કરવામાં આવ્યો છે.


પહેલા કૌભાંડ થયા છે. ફરી વાર આવા કૌભાંડ ન થાય એવું કૉંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બોર્ડના અને યુનિવર્સિટીના વિદ્યાર્થી ગેરરીતિ કરે તો શિક્ષક અને પરીક્ષા બોર્ડ સજા કરી શકે છે. વિદ્યાર્થી ગેરનીતિ કરે તો તેમને સમજાવવા જોઈએ.


અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો


મોઢવાડિયાએ સરકારે અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. વિધેયક ડ્રાફ્ટ કરવામાં સરકારની ક્ષતિ રહી ગઈ છે.  હરિયાણા અને રાજસ્થાન સરકારે આવો કાયદો બનાવ્યો છે. હરિયાણા અને રાજસ્થાનના વિધેયકની કોપી કરી છે.  હરિયાણા અને રાજસ્થાન સરકારે ભરતી પરીક્ષા શબ્દ વાપર્યો છે જ્યારે ગુજરાત સરકારે જાહેર પરીક્ષા શબ્દ વાપર્યો છે. 10, 12, કોલેજમાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરે તેને શું પોલીસને હવાલે કરશો?  પોલીસની ટીકા નથી કરતો પણ તેમને ગુનેગાર સાથે ડીલ કરવાની તાલીમ અપાય છે ? તેવી ટિપ્પણી મોઢવાડિયાએ કરી હતી.


27 વર્ષે બીજેપી સરકારને વેદના સમજાઈ


ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દેર આયે દુરસ્ત આયે. પેપર ફૂટ્યા બાદ ઉમેદવાર અને તેના પરિવારની વેદના સરકારને 27 વર્ષે સમજાઈ. માત્ર પેપર નથી ફૂટતા લોકોના સપના, આશા, અપેક્ષા અને માણસો ફૂટે છે. આ વિધેયક માત્ર કાયદો બનીને ન રહી જાય પરંતુ તેની અમલવારી કડક થાય તે જરુરી છે. એક કે બે વાર પેપર ફૂટે તો તેને ભૂલ કહેવાય. 2014થી ચાલતી ડબલ એન્જિન સરકારમાં 12 કરતા વધુ પેપર ફૂટ્યા છે. જે ગતિથી બહુમતી મળી એ જ ગતિથી છેલ્લે પેપર ફૂટ્યા. આ સરકારને અનુભવી સરકાર કહી શકાય. વિધેયક પાસ થઈ કાયદો બને તેની અમલવારી 2014થી કરવાનું મારું સૂચન છે.