બનાસકાંઠા:  બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના  મોટી ડુંગડોલ ગામે શાળામાં મધ્યાન ભોજનમાં જમ્યા બાદ 50 જેટલા બાળકોની જીભ કાળી પડી જતા વહીવટી તંત્રની ટીમ દ્વારા શાળામાં તપાસ હાથ ધરવામાં આવી છે.  મધ્યાન ભોજન આરોગ્ય બાદ જીભ કઈ રીતે કાળી પડી જેને લઇને તપાસનો ધમધમાટ શરૂ કરાયો.


રાજસ્થાન સરહદને અડીને આવેલ ધાનેરા તાલુકાના મોટી ડુંગડોલ પ્રાથમિક શાળામાં સોમવારના બપોરના સમયે મધ્યાન ભોજનમાં બનાવેલ ખીચડી આરોગતા 50 જેટલા વિદ્યાર્થીઓની જીભ કાળી પડી જતા દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક આરોગ્ય વિભાગની ટીમ અને મધ્યાન ભોજન મામલતદારની ટીમ ઘટનાએ સ્થળે પહોંચી હતી.  આઠ જેટલા બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તેમને ઘરે મૂકવામાં આવ્યા હતા.  




બીજા દિવસે આરોગ્ય વિભાગની  અને ફૂડ વિભગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જેમાંથી ખીચડી બનાવવામાં આવી હતી તે દાળ ચોખા તેલ અને મસાલાઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. બીજા દિવસે ત્રણથી ચાર બાળકોની જ જીભ કાળી જોવા મળી હતી અને અન્ય બાળકોની તબિયત સારી હોવાથી તમામ બાળકો શાળાએ પણ આવ્યા હતા અને બીજા દિવસે પણ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. 


મધ્યાહન ભોજનમાં માટી અને કાંકરીઓ આવતા વાલીઓમાં રોષ 


મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાંથી ફરી એકવાર મધ્યાહન ભોજનના ખાવાનાને લઇને વિવાદ શરૂ થયો છે. હાલમાં જ જિલ્લાની ધાનેરાની મામાજી ગોળીયા પ્રાથમિક શાળામાં બાળકોને ખરાબ મધ્યાહન ભોજનનું ખાવાનું અપાઇ હોવાની ફરિયાદ ઉઠી હતી. અહીં બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં માટી અને કાંકરીઓ આવતા વાલીઓમાં રોષ ફેલાયો છે. આ ઘટના બાદ વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલા ઘઉંના જથ્થાની તપાસ કરી હતી, જેમાં ખાઈ ના શકાય તેવી કાળી માટીની કાંકરીઓ અને અન્ય અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા, આ પછી બાળકોના વાલીઓ વધુ ઉગ્ર બન્યા અને રોષે ભરાઇને લાલઘૂમ થયા હતા. શાળામાંથી ઘઉં અને ચોખાનો જથ્થો પણ ખરાબ મળી આવ્યો હતો. આ ઘટના બાદ બાળકોના આરોગ્ય સાથે ચેડાં થયાના આક્ષેપો કરી રહ્યાં છે. માધ્યહન ભોજનમાં ખરાબ જથ્થાના લઇને વાલીઓએ મામલતદારને લેખિતમાં જાણ કરીને યોગ્ય પગલાં લેવા કરી રજૂઆત કરી છે.