Arvalli: અરવલ્લીમાં યુવતીની છેડતી બાબતે લોહિયાળ જંગ ખેલાયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, એક વેપારીએ યુવતીની છેડતી બાબતે આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી, આ પછી આરોપીએ ધારદાર હથિયારથી યુવતી અને તેના પરિવાર પર હુમલો કરી દીધો હતો. આમાં કુલ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.


માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લામાં મોડાસાના સબલપુર ગામે એક લોહિયાળ જંગ ખેલાયો હતો, અહીં નૉવેલ્ટીના વેપારીએ યુવતીની છેડતી કરવા બાબતે આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, આ વાતની અદાવત રાખીને આરોપીએ ગઇકાલે યુવતીના ઘરે જઈ તીક્ષ્ણ અને ધારદાર હથિયાર વડે કર્યો હુમલો કરી દીધો હતો. આ ઘાતક હુમલામાં યુવતી સહિત તેના પરિવારના 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ખાસ વાત છે કે આ હુમલામાં આરોપી પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનામાં આરોપી અને ફરિયાદ સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા, અને હાલમાં આ તમામ લોકોને સારવાર માટે હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ મોડાસા ટાઉન પોલીસે આ સમગ્ર મામલાની તપાસમાં લાગી છે.


નકલી કપાસિયા તેલ બનાવતી કંપની પકડાઇ, આરોપી અમિત શાહ વિરુદ્ધ ગુનો દાખલ


મોડાસામાંથી વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે, એસઓજી પોલીસની ટીમે અચાનક દરોડા પાડતા મોડાસામાંથી નકલી કપાસિયા તેલ બનાવતી કંપનીને પકડી પાડી છે. આ કામનો મુખ્ય આરોપી અમિત શાહ છે, જેને પકડીને પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લાના મોડાસામાં તિરૂપતિ કપાસિયા તેલના નામે નકલી તેલના ડબાનું પેકિંગ કરતી ફેકટરી ઝડપાઈ છે. મોડાસા GIDCમાંથી નકલી કપાસિયા તેલના ડબાના પેકિંગનું પર્દાફાશ અરવલ્લી SOGએ કર્યો છે. મોડાસા GIDC ખાતે લક્ષ્મી પ્રૉટીન્સ ફેકટરીમાં નકલી તિરૂપતિ કપાસિયા તેલના ડબાનું પેકિંગ કરવામાં આવતુ હતુ, તેલના જૂના ડબા પર અન્ય બીજુ તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર અને બૂચ મારીને પેકિંગ કરવામાં આવતુ હતુ. SOG પોલીસને આ મામલે બાતમી મળતા અચાનક દરોડા પાડ્યા હતા, જ્યાંથી પોલીસે 8 ડબ્બા, 36 સ્ટીકર અને 38 જેટલા ડબ્બાના બૂચ જપ્ત કર્યા હતા. આ સમગ્ર ઘટનાનો પર્દાફાસ અરવલ્લીની SOG પોલીસે કર્યો છે, આ ગુનાખોરીનો મુખ્ય આરોપી મોડાસાનો અમિત શાહ છે, અને પોલીસે હવે અમિત શાહને ઝડપી પાડીને કૉપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિફાઇન્ડ તેલના નામે ડબ્બા પર અન્ય તેલ ભરી તિરૂપતિ કપાસિયા તેલના સ્ટીકર મારી વેચાણ કરતું આ મોટુ કૌભાંડ બહાર આવ્યુ છે.