Arvalli Heart Attack News: રાજ્યમાં ફરી એકવાર એક પછી એક હાર્ટ એટેક કિસ્સામાં વધારો નોંધાઇ રહ્યો છે, અરવલ્લી જિલ્લામાં વધુ એક આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. થોડાક સમય પહેલા જ અરવલ્લી જિલ્લાના ભાજપના યુવા મોરચાના નેતાનું પણ હ્રદય રોગનો હુમલો આવતા મોત થયુ હતુ. જિલ્લાના મોટા કંથારિયાના જયદીપ પટેલનું મોત થયુ છે. 


મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લામાં વધુ એક યુવાન હાર્ટ એટેકના કારણે મોતને ભેટ્યો છે. જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા મોટા કંથારિયાના 30 વર્ષીય યુવાનનું મોત થયુ છે. 30 વર્ષીય જયદીપ કુમાર મગનભાઇ પટેલ પોતાના ગામમાં બપોરના સમયે કરિયાણાની દુકાન પર બેઠો હતો, તે સમયે અચાનક હ્રદય રોગનો હુમલો આવ્યો અને ત્યાં જ ઢળી પડ્યો હતો. જયદીપ પટેલ તાજેતરમાં જ કુવૈતથી પોતાના વતનમાં આવ્યો હતો, યુવાનના અચાનક મોતથી સમગ્ર ગામ અને સમગ્ર મોંઢ પટેલ સમાજમાં શોકનો માહોલ છવાયો છે. 


અરવલ્લીમાં ભાજપના યુવા નેતાનું હાર્ટ એટેકથી મોત, કોઈ ગંભીર બીમારી ન હોવા છતાં નાની ઉંમરે મોત


ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લામાં આજે ભાજપ નેતાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. 30 વર્ષીય ભાજપ યુવા મોરચાના મંત્રી ભદ્રેશ પટેલનું આજે ઘરમાં જ હાર્ટ એટેકથી નિધન થયુ છે. યુવા નેતાના મોતના સમાચારથી સમગ્ર જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.  આજની આધુનિક જીવનશૈલીમાં યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે. આજે વહેલી સવારે અરવલ્લી જિલ્લામાં ભાજપ નેતાનું હાર્ટ એટેકથી મોત થયુ છે. અરવલ્લી જિલ્લા ભાજપા યુવા મોરચાના મંત્રી તરીકે કામ કરી રહેલા 30 વર્ષીય ભદ્રેશ પટેલને હાર્ટ એટેક આવ્યો હતો, ભદ્રેશ પટેલને બાયડના તેનપુરમાં તેમના ઘરે જ હાર્ટ એટેક આવ્યો અને બાદમાં મોતને ભેટ્યા હતા. ભાજપ નેતાના મોતથી સમગ્ર અરવલ્લી જિલ્લામાં શોકનો માહોલ છવાયો છે, અરવલ્લી જિલ્લા ભાજપા આગેવાનોએ ભારે દુઃખ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. 


પુરૂષ અને સ્ત્રી બંનેમાં હાર્ટ અટેકના અલગ-અલગ હોય છે લક્ષણો, આ રીતે ઓળખો


હાલના સમયમાં હાર્ટ એટેક અને હ્રદયરોગ ઝડપથી વધતા રોગો છે. તાજેતરના સમયમાં તેના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ હૃદયરોગ વધી રહ્યો છે. આ એક જીવલેણ રોગ છે. તેથી વધુ સાવધાની જરૂરી છે. હેલ્થ એક્સપર્ટના મતે હાર્ટ એટેકના લક્ષણો કેટલાક મહિનાઓ પહેલા જ દેખાવા લાગે છે. એક નવા અભ્યાસ અનુસાર, સ્ત્રીઓ અને પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો અલગ-અલગ દેખાઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે કોને હાર્ટ એટેકના  પુરુષ અને  સ્ત્રીમાં કેવા લક્ષણો છે.


સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો



  • અતિશય પરસેવો

  • ઉબકા અથવા ઉલટી થવી

  • ચક્કર

  • ખૂબ થાક લાગે છે

  • સૂતી વખતે અથવા આરામ કરતી વખતે આ સમસ્યાઓ વધુ અનુભવાય છે


પુરુષોમાં હાર્ટ એટેકના લક્ષણો



  • છાતીનો દુખાવો

  • છાતીમાં ઘણું દબાણ અનુભવવું

  • બેચેનીનો અનુભવ

  • પુરુષો અને સ્ત્રીઓમાં હાર્ટ એટેકના લક્ષણો કેમ અલગ-અલગ હોય છે?


અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે મહિલાઓની વાત કરીએ તો  હાર્ટ એટેકના લક્ષણો ઝડપથી સમજાતા નથી.  કારણ કે મહિલાઓ દરરોજ તેમના રોજિંદા જીવનમાં હાર્ટ એટેકના લક્ષણો સાથે સંબંધિત સમસ્યાઓ અનુભવે છે. એટલા માટે મોટાભાગના લોકો તેને હળવાશથી લે છે, જ્યારે પુરુષોમાં તે સામાન્ય નથી અને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. ડોક્ટરના મતે દરેક ઉંમરની મહિલાઓએ હાર્ટ એટેકને ગંભીરતાથી લેવો જોઈએ, કારણ કે મહિલાઓને કોઈપણ લક્ષણો વગર પણ હાર્ટ એટેક આવી શકે છે. કોરોનરી હાર્ટ ડિસીઝને કારણે મૃત્યુ પામેલી મહિલાઓમાંથી 64 ટકામાં અગાઉ કોઈ લક્ષણો દેખાતા ન હતા.


મહિલામાં હાર્ટ અટેકના કારણો



  • હાઈ બ્લડ પ્રેશર

  • સ્થૂળતામાં વધારો

  • ખોટી જીવનશૈલી

  • અનહેલ્ધી ફૂડ

  • હાઇ  કોલેસ્ટ્રોલ

  • બેઠાડું જીવન

  • ડાયાબિટીસ

  • ધૂમ્રપાન

  • મેનોપોઝ

  • બ્રોકન હાર્ટ  સિન્ડ્રોમ

  • ગર્ભાવસ્થા સંબંધિત ગૂંચવણો


મહિલાઓએ હાર્ટ અટેકથી બચવા શું કરવું જોઇએ


હાર્ટ અટેકથી બચવા માટે આહાર અને જીવન શૈલી સુધારવી અનિવાર્ય છે. ડાયાબિટીસને નિયંત્રિત કરો, ઉપરાંત માનસિક તણાવ અને હતાશાથી બચવાનો પ્રયાસ કરવો પણ જરૂરી છે. બેઠાડું જીવનને છોડીને વર્કઆઉટ યોગને રૂટીનમાં સામેલ કરો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો