Arvind Kejriwal Gujarat Visit: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાત પ્રવાસે છે. આજે ભરુચ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં તેમણે ભાગ લીધો હતો. તેમણે લોકોને પુછ્યું કે, ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટિલ ક્યાંના રહેવાવાળા છે? ભાજપને 6.50 કરોડ લોકોમાંથી એક પણ ગુજરાતી ન મળ્યો. આ ગુજરાતની જનતાનું અપમાન ભાજપે કર્યું છે. શું મહારાષ્ટ્રથી ગુજરાત ચલાવવા માગે છે ભાજપ?


 




કેજરીવાલે કહ્યું કે, પંજાબ જીત્યા બાદ આ પહેલી જાહેરસભા અમે આદિવાસી વિસ્તારમાં કરી છે. આપણા દેશના બે અમિત વ્યક્તિ ગુજરાતના છે અને દેશના સૌથી ગરીબ આદિવાસી પણ ગુજરાતમાં છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ અમીરો સાથે ઉભા છે, તેમને વધુ અમીર બનાવે છે. અમને એક મોકો આપો અમે ગરીબો માટે કામ કરીશું. દિલ્હીના લોકો મને ખૂબ પ્રેમ કરે છે, આજે હું ગુજરાતના લોકો પાસે પ્રેમ માગવા આવ્યો છું. ગુજરાતના લોકો એકવાર પ્રેમ કરે તો જિંદગીભર નિભાવે છે, હું પણ એવો જ છું. મને માત્ર કામ કરતા જ આવડે છે, રાજકારણ અને ભ્રષ્ટ્રાચાર નથી આવડતો. ગુજરાતમાં શાળાઓની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. શાળાઓમાં શિક્ષકો નથી, ઓરડા નથી, દીવાલો તૂટેલી છે. દિલ્હીમાં પણ પહેલા આવું જ હતું, પણ હવે પરિસ્થિતિ બદલાઈ છે.


કેજીરીવાલે વધુમાં કહ્યું કે, દિલ્હીમાં જજ, અધિકારી અને રીક્ષાવાળાના સંતાન એક જ બેન્ચ પર બેસીને ભણે છે. મે બાબા સાહેબ આંબેડકરને વચન આપ્યું છે, બાબા તેરા અધૂરા સપના કેજરીવાલ કરેગા પૂરા. હું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આમંત્રણ આપું છું, આવો અમારી શાળા અને આરોગ્યકેન્દ્ર જુઓ. દિલ્હીના સીએમએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આ લોકોને તમે બીજા 5 વર્ષ આપશો તો પણ કંઈ નહિ કરે. ગુજરાતની ભાજપ સરકારે પેપરલીક કરવામાં રેકોર્ડ બનાવ્યો છે. ગિનીસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડવાળા ગુજરાતની ભાજપ સરકારને એવોર્ડ આપશે. ભુપેન્દ્ર પટેલ અને પાટિલને ચેલેન્જ કરું છું કે, એક પરીક્ષા પેપર ફૂટ્યા વગર યોજી બતાવે. 


દેશમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં મળે છે, દિલ્હીમાં અમે ફ્રીમાં વીજળી આપીએ છીએ. ભાજપવાળા મને ખૂબ ગાળો આપે છે, હું ઈમાનદાર છું એટલે ફ્રી આપુ છું. ઈમાનદારીનું એક જ માપદંડ છે, જે ફ્રી વીજળી આપશે તે જ ઈમાનદાર. યુવાનોને અપીલ કરું છું, અમારી સરકાર બનાવો અમે રોજગારીની વ્યવસ્થા કરીશું. ગંદી રાજનીતિ, ભ્રષ્ટ્રાચાર અને ગુંડાગર્દી જોઈએ તો ભાજપને વોટ આપી દેજો. હું કટ્ટર ઈમાનદાર અને કટ્ટર દેશભક્ત છું.  ભાજપ-કોંગ્રેસને વોટ આપતા રહેશો તો તમારા સંતાનનું ભવિષ્ય ખરાબ થશે. ગુજરાતના 6.50 કરોડ લોકોને કહું છું કે, એકવાર આ લોકોનો અહંકાર તોડો. મે સાંભળ્યુ છે કે, ગુજરાતમાં વહેલી ચૂંટણી લાવી રહ્યા છે.  આપથી ડરી ગયા છે, એમને સમય ન આપવા માટે વહેલી ચૂંટણી કરાવી રહ્યા છે. કોંગ્રેસ હવે સાવ ખતમ છે, તેમને વોટ આપવા નિરર્થક છે. કોંગ્રેસના સારા નેતાઓને કહું છું કે, આપમાં આવી જાવ, ખરાબ નેતાઓ ત્યાં જ રહે. ભાજપના સારા નેતાઓને પણ કહું છું કે, ગુજરાતનું ભલું કરવા આપમાં આવી જાવ.


તો બીજી તરફ આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં BTPના સ્થાપક છોટુ વસાવાએ પણ નિવેદન આપ્યું છે. આજે વિશ્વ મજૂર દિવસ છે, હજારો મજૂરોએ જીવ આપ્યા છે તેમને ભૂલવા ન જોઈએ. ભાજપના ખરાબ વહીવટના કારણે આજે આપણે ભોગવી રહ્યા છીએ. આમ આદમી પાર્ટી આપણા સહકારમાં આવી છે. BTP અને AAPને સહકાર આપી નાલાયકોને બદલી નાખો. OBCની વસ્તી ગણતરી કરવામાં આવતી નથી. અમારી સરકાર આવશે તો ઓબીસીની વસ્તી ગણતરી કરવશું. આ સરકારે APL,BPLઅને ઓળખકાર્ડ આપ્યા પણ બજેટ કાર્ડ નથી આપતી. 107 લાખ કરોડ રૂપિયાનું દેશ ઉપર દેવું છે. આ સરકારોને ગુજરાતમાંથી હાંકી કાઢો તો જ આપણું કલ્યાણ થશે. સત્તા હાથમાં આવશે તો જ આપણે જીવતા રહીશું. ગુજરાત અને દેશની ઇતિહાસ આપણે બદલવાનો છે.