Gujarat : ગુજરાત વિધાનસભા ચચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજીઓ જોર પકડી રહી છે. આ દરમિયાન સૌ કોઈ જાણવા માંગે છે કે રાજકીય પાર્ટીઓ મુખ્યમંત્રી ઉમેદવાર કોને બનાવશે. આ તમામ બાબતો વચ્ચે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટો ઘડાકો કર્યો છે.
અમિત શાહ ગુજરાતના નવા મુખ્યમંત્રી બનશે ? : અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને મોટો ધડાકો કર્યો છે અને આ ટ્વીટથી સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ ટ્વીટમાં તેમણે લખ્યું છે -
“ગુજરાતમાં ‘આપ’ ઝડપથી વધી રહી છે. ભાજપ ભયભીત છે. શું એ વાત સાચી છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અમિત શાહને સીએમ ચહેરા તરીકે જાહેર કરવા જઈ રહ્યું છે? શું ભાજપ પણ ભૂપેન્દ્રભાઈ પટેલના કામથી નારાજ છે?”
ગુજરાતના ગૃહપ્રધાન રહી ચુક્યા છે અમિત શાહ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વર્ષ 2002થી 2012 સુધી 10 વર્ષ સુધી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં ગૃહપ્રધાન રહી ચુક્યા છે. આ દરમિયાન તેમણે ગૃહ, કાયદો અને ન્યાય, જેલ, સરહદ સુરક્ષા, નાગરિક સંરક્ષણ, આબકારી, હોમગાર્ડ, વાહનવ્યવહાર, પ્રતિબંધ, ગ્રામ રક્ષક દળ, પોલીસ આવાસ, વિધાનસભા અને સંસદીય બાબતો જેવા વિભાગો સાંભળ્યાં હતા.
રાજ્યસભા અને લોકસભાના સાંસદ
અમિત શાહ 2017થી 2019 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યાં. 2019માં ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યાં અને જીત્યા. 2019માં પીએમ મોદીના બીજા કાર્યકાલમાં તેઓ દેશના ગૃહપ્રધાન બન્યા. આ સાથે અમિત શાહ દેશના પ્રથમ સહકારિતા મંત્રી પણ બન્યાં.