Gujarat Weather Update: બનાસકાંઠામાં આવેલા ભારે વાવાઝોડાના કારણે અમીરગઢ પંથકમાં 108 જેટલા વિજપોલ પડી જતા તેમજ ડેમજ થતાં વીજ પુરવઠો ખોરવાતા 41 ગામોમાં અંધારપટ છવાયો છે. તો બીજી તરફ  લાઈટ વગર લોકો અને પશુઓ માટે પીવાના પાણીની તકલીફ ઊભી થતાં ગ્રામજનો જનરેટર દ્વારા બોર ચાલું કરી પાણી મેળવી રહ્યા છે. આકરા તાપમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ પહેલા આવેલા ભારે પવન સાથેના વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ભારે તારાજી સર્જી છે ,ભારે વાવાઝોડાના કારણે અમીરગઢ તાલુકામાં 108 થી વધુ વિજપોલ ધરાશાયી થતા તેમજ ડેમજ થતાં વીજપુરવઠો ખોરવાતા અમીરગઢના 70 ગામો માંથી 41 ગામોમાં અંધારપટ છવાયો છે. જોકે આકરા તાપમાં ગ્રામીણ વિસ્તારોમાં લાઈટ ન હોવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.


આ ઉપરાંત લાઈટ વગર પીવાના પાણીની તકલીફ સર્જાતા મહિલાઓ સહિત સ્થાનિકોની હાલત કફોડી બની છે. તો પાણી વગર પશુઓ મુશ્કેલીમાં મુકાતા સ્થાનિક લોકો દ્વારા પોતાના ખર્ચે જનરેટર લાવીને પાણીનો બોર શરૂ કરાતાં મહિલાઓ અને બાળકો ગામના સંપ ઉપર લગાવેલ નળ ઉપર પાણી ભરવા ઉમટી પડ્યા છે.  પાણી વગર લોકોને તકલીફ પડતી હોવાથી તેવોએ વીજ પુરવઠો જલ્દીથી શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે.


અમીરગઢ પંથકના અનેક ગામોમાં છેલ્લા ચાર દિવસથી વીજળી ન હોવાથી આવા આકરા ઉનાળામાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો લોકોને અને પશુઓને પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. તો બીજી બાજુ લાઈટ ન હોવાના કારણે માનપુરીયા ગામના દુકાનદારના સહિત અનેક દુકાનદારોના ફ્રીજમાં પડેલ તમામ આઈસ્ક્રીમ ઓગળી જતા તેમને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અનેક ગામોમાં પાણી માટે  જનરેટર મંગાવવા પડતા હોવાથી ગામલોકો જીઇબી જલ્દીથી લાઈટ આપે તેવી માંગ કરી રહ્યા છે.


ભારે વાવાઝોડાના કારણે અમીરગઢમાં 108 જેટલા વિજપોલ અને મુખ્ય લાઈનોના વાયરો તૂટી જતાં  41 ગામડાઓ અને ખેતરોમાં વીજળી બંધ થઈ જતા અમીરગઢ વીજ કંપનીની 8 ટિમો સતત સમારકામમાં લાગી છે. અમીરગઢના ડેપ્યુટી એન્જિનિયરનું કહેવું છે કે ભારે વાવાઝોડાના કારણે અનેક વિજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. જોકે અમે 41 ગામોમાંથી 37 ગામોમાં વીજ પુરવઠો શરૂ કરી દીધો છે. જોકે હજુ 4 ગામો તેમજ ખેતરોમાં વીજ પુરવઠો બાકી હોવાથી અમે વીજ લાઈનો અને વીજ પોલનું સમારકામ કરી રહ્યા છીએ.