રાજ્ય શિક્ષણ બોર્ડે ધો.10નું માસ પ્રમોશન મુજબનું પરિણામ જાહેર કર્યું છે. જે બોર્ડના ઈતિહાસમા પ્રથમવાર 100 ટકા જેટલુ રહેતા આ વર્ષના તમામ નિયમિત 8 લાખ 57 હજારથી વધુ વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષથી 3 લાખ 76 હજાર વિદ્યાર્થી વધુ પાસ થયા છે. આ વર્ષે 17 હજારથી વધુ વિદ્યાર્થીએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 10નું પરિણામ ધોરણ 9ની પ્રથમ સત્ર અને દ્રિતિય સત્ર પરીક્ષા તેમજ ધો.10નું પ્રથમ સત્ર પરીક્ષા અને એકમ કસોટીના આધારે કુલ માર્કસની ગણતરી કરીને સ્કૂલોએ તૈયાર કર્યુ છે.
આ પરિણામ મુજબ આ વર્ષે કુલ નિયમિત વિદ્યાર્થીઓ 8 લાખ 57 હજાર 204 છે અને જે તમામ સરકારની માસ પ્રમોશનની પોલીસી મુજબ પાસ જાહેર થયા છે. જેમાં 4 લાખ 90 હજાર 482 વિદ્યાર્થીઓ અને 3 લાખ 66 હજાર 722 વિદ્યાર્થિનીઓ છે.
આ વર્ષે માસ પ્રમોશનને લીધે એક પણ વિદ્યાર્થી નાપાસ ન કરવાનો હોવાથી ડી સુધીના જ ગ્રેડ જાહેર કરવામા આવ્યા છે. અને ઈ તેમજ ઈ1 ગ્રેડ જાહેર કરાયા નથી. ડી ગ્રેડ 33થી 40 માર્કસ સુધીની રેન્જ દર્શાવે છે જ્યારે 21થી32 માર્કસ સુધીના વિદ્યાર્થીઓ દર વર્ષે ઈ1 ગ્રેડમાં જાહેર કરાતા હોય છે જેઓ નાપાસ ગણવામા આવે છે. પરંતુ આ વર્ષે તમામ વિદ્યાર્થીઓ 33 માર્કસ કે તેથી વધુના છે.
ગયા વર્ષે એ1 ગ્રેડમાં માત્ર 1 હજાર 671 વિદ્યાર્થી હતા ત્યારે આ વર્ષે 17 હજાર 186 વિદ્યાર્થીઓ છે. ગત વર્ષે એ2 ગ્રેડમાં 23 હજાર 754,બી-11માં 58 હજાર 128,બી-2માં 10 લાખ 5 હજાર 971 વિદ્યાર્થીઓ છે.
સરકારે અગાઉ માસ પ્રમોશનના નિયમોમાં એલ.સીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનુ જણાવ્યુ હતુ પરંતુ ભારે વિવાદ બાદ હવે સરકારે નિર્ણય બદલ્યો છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને અપાતા એલ.સીમાં હવે માસ પ્રમોશન નહી લખાય અને તેના બદલે માત્ર માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવા શબ્દો લખાશે.
ધો.૧૦ બાદ વિદ્યાર્થી તે જ સ્કૂલમાં ધો.૧૧મા જાય તો પણ નિયમ મુજબ એલસી આપવાનું રહેશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને એલસી આપવાનું થતુ હોય એક સાથે તમામને માસ પ્રમોશન આપ્યાનો ઉલ્લખ થાય તો મુશ્કેલી થાય તેમ છે. આ મુદ્દે ભારે વિવાદ થતા અને માસ પ્રમોશનના ઉલ્લેખથી વિદ્યાર્થીને નુકશાન થતુ હોવાનું હવે સરકારને ધ્યાને આવતા શિક્ષણવિદોના સૂચનો બાદ હવે સસરકારે નિર્ણય બદલ્યો છે.
સરકારની મંજૂરીથી બોર્ડે આ મુદ્દે તમામ ડીઈઓને નવો પરિપત્ર કરી ખાસ સૂચના આપી છે કે હવે લિવિંગ સર્ટિફિકેટ-એલ.સીમાં રીમાર્કસના ખાનામાં માધ્યમિક શિક્ષણ પૂર્ણ થતા એવુ દર્શાવવાનું રહેશે. જ્યારે શાળા છોડયાના પ્રમાણપત્રમાં શાળા છોડયાની તારીખ ૩૧-૫-૨૦૨૧ દર્શાવવાની રહેશે.