બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ બ્લાસ્ટ અને આગના કારણે 21 શ્રમિકોના મોત થયા હતા. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ હતી. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર, ડીસા બ્લાસ્ટકાંડના આરોપી દીપક સિંધી અને તેના પિતા ખૂબચંદ સિંધીની ધરપકડ કરવામાં આવી હતી. બંન્ને આરોપી પિતા પુત્રને પાલનપુર એલસીબીને સોંપાયા હતા. દીપક સિંધી ભિલોડા સ્ટેટ હાઈ-વેથી પકડાયો હતો. આ કેસમાં તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.
આરોપી દીપક સિંધી સાબરકાંઠામાં પણ ફટાકડાનો વેપાર કરતો હતો
21 લોકોના મૃત્યુ માટે જવાબદાર દીપક સિંધી ફટાકડાની ગેરકાયદે ફેક્ટરી ચલાવતો હતો. ગુનાહિત બેદરકારીને લીધે 21 લોકો મોતને ભેટ્યા હોવાનો ખુલાસો છે. ડીસા અગ્નિકાંડનો આરોપી દીપક સિંધી સાબરકાંઠામાં પણ ફટાકડાનો વેપાર કરતો હતો. બે વર્ષ પહેલા સાબરકાંઠામાં વેપાર ચલાવતો હોવાનો ખુલાસો થયો હતો. પોલીસ દીપક સિંધીની કંપની દીપક ટ્રેડર્સ અંગે તમામ વિગતો એકઠી કરશે.
તપાસ માટે SITની કરાઇ રચના
આ કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. જેમાં ડીવાયએસપીની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. એસઆઇટીમાં DySP સી.એલ.સોલંકી (ડીસા)- તપાસ અધિકારી, PI વી.જી. પ્રજાપતિ (, ડીસા રુરલ પોલીસ સ્ટેશન), PI એ.જી. રબારી (એસ.ઓ.જી., બનાસકાંઠા), PSI એસ.બી.રાજગોર (LCB, બનાસકાંઠા), PSI એન.વી. રહેવર (પેરોલ સ્ક્વોડ બનાસકાંઠા)નો સમાવેશ થાય છે.
એસપી અક્ષય રાજ મકવાણાએ ખાતરી આપી હતી કે ગોડાઉનમાં વિસ્ફોટની ઘટના માટે જવાબદાર એક પણ શખ્સને છોડવામાં નહીં આવે. ઝડપથી તપાસ કરી અને મૃતકોને ન્યાય મળે તેવા ઉદ્દેશથી SITની રચના કરવામાં આવી છે. મધ્યપ્રદેશના કલેક્ટર અને SP સાથે સંપર્કમાં હોવાની પણ વાત કરી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે આ માફ કરી શકાય એવી ઘટના નથી. રાજય સરકાર કાયદેસરના પગલા લેશે. તેમણે ડીસા સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
વહીવટી તંત્રની મિલીભગતના કારણે ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ ઘટતી હોવાનો સાંસદ ગેનીબેન ઠાકોરે આરોપ લગાવ્યો હતો. નાના અધિકારીઓને સસ્પેન્ડ કરાય છે અને મોટા મગરમચ્છો બચી જાય છે. કોઇ પણ દુર્ઘટના ઘટે ત્યારે દેખાડા પૂરતી તપાસ કરાતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
પીડિતો અને મૃતકોને સહાય જાહેર
મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. જ્યારે ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાય જાહેર કરાઈ છે. આ સાથે વડાપ્રધાન મોદીએ પણ મૃતકોના પરિવારજનોને PMNRFમાંથી 2-2 લાખ રુપિયાની સહાય જાહેર કરી છે.