ગાંધીનગર, 27 મે, 2022: મે 28ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહકાર સંમેલનમાં સહકારી સંસ્થાઓના 10 હજાર પ્રતિનિધિઓને સંબોધિત કરશે. રાજ્યના નાગરિકોને સહકારી સંસ્થાઓ દ્વારા નાણા ધિરાણ સહિતની સુવિધાઓનો લાભ મળ્યો છે. કોરોના વાયરસ(COVID-19)ના કારણે સમગ્ર દેશમાં તા.૨૫/૦૩/૨૦૨૦ થી તા.૩૧/૦૫/૨૦૨૦ ના સમયગાળા દરમિયાન લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં વેપારીઓ, કારીગરો તથા શ્રમિકોના ધંધા રોજગારને વ્યાપક પ્રમાણમાં પ્રતિકૂળ અસર થઇ હતી. આ પરિસ્થિતિને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરવામા આવી હતી જેમાં સહકારી સંસ્થાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧ હેઠળ રૂ. ૧ લાખ લેખે આજ દિન સુધીમાં ૧૬૭૮૦૨ લાભાર્થીઓને રૂ.૧૫૬૫.૪૮ કરોડનું ધિરાણ મંજૂર કરવામા આવ્યું છે અને તે પૈકી રૂ.૧૫૦.૪૧ કરોડનું વ્યાજ સહાયનું ચૂકવણું કરાયું છે. તે સિવાય આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨ હેઠળ રૂ.૨.૫૦ લાખ લેખે આજ દિન સુધીમાં ૩૮૪૮૮ લાભાર્થીઓને રૂ.૯૪૧.૫૧ કરોડનું ધિરાણ મંજૂર કરાયું છે , જેમાં રૂ.૫૮.૯૫ કરોડનું વ્યાજ સહાયનું ચૂકવણું કરવામા આવ્યું છે. આ યોજનાને સુચારૂ રીતે લાગૂ કરવા માટે સહકારી બેન્કના અધિકારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને લાભાર્થીઓને ઝડપથી પૈસા મળ તેના માટે દરેક સ્તરે જરૂરી સહકાર પૂરો પાડ્યો હતો.
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૧
વર્ષ બજેટ જોગવાઈ(રૂ.લાખમાં) થયેલ ખર્ચ (રૂ.લાખમાં)
૨૦૨૦-૨૦૨૧ ૧૨૦૦૦ ૧૨૦૦૦
૨૦૨૧-૨૦૨૨ ૮૦૦૦ ૮૦૦૦
આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-૨
વર્ષ બજેટ જોગવાઈ(રૂ.લાખમાં) થયેલખર્ચ (રૂ.લાખમાં)
૨૦૨૦-૨૦૨૧ ૫૮૦૦ ૫૮૦૦
૨૦૨૧-૨૦૨૨ ૩૮૦૦ ૩૮૦૦
ધોળકાના રહેવાસી હરિશચંદ્ર ચંદુભાઇ દરજીએ કહ્યું હતું કે હું દરજીકામ કરું છું. લોકડાઉનમાં મારે કામગીરી બંધ થઇ ત્યારે ધંધા માટે અમુક વસ્તુઓ લેવા માટેના રૂપિયાનું પેમેન્ટ બાકી હતું. સરકારે આ યોજનાથી મને આર્થિક સહાય કરી તો મારું પેમેન્ટ ક્લીયર થઇ ગયું અને અત્યારે કોરોનાના સમયગાળામાં મને બહુ સારો ફાયદો થયો. અત્યારે મારો રોજગાર સારી રીતે ચાલી રહ્યો છે.
અન્ય એક લાભાર્થી રાજકોટના રહેવાસી નીતિનભાઇ મોતીપરાએ જણાવ્યું હતું કે હું સાડીના વ્યવસાયમાં છું. લોકડાઉન સમયે વેપારને અસર થતા સમસ્યા ઉભી થઇ હતી. જોકે સરકારે લોનની સુવિધા કરી આપી તેનાથી મને તે સમય પસાર કરવામાં ખાસ્સી રાહત થઇ ગઇ હતી. આ ખુબ જ સારી યોજના છે જેનાથી ઘણા લોકોને ફાયદો થયો છે.
સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર ડી.કે. રાકેશે કહ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ યોગ્ય રીતે જમીન સુધી પહોંચાડવા માટે સહકારી બેન્કોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. લોકડાઉન સમયે તાત્કાલિક લોનની ચૂકવણી થાય અને લાભાર્થીને નિર્ધારિત સમયમાં નાણા મળે તેની પણ ખાતરી કરવામા આવી હતી. તેના લીધે નાના ધંધાર્થીઓને સમયસર ફંડ મળ્યું અને તેમને આ કપરો સમય પસાર કરવામાં ખૂબ રાહત થઇ હતી.