KHEDA : ખેડા જિલ્લાના ખંભાત તાલુકામાં થયેલી જૂથ અથડામણના સમાચારને હજી જાજા દિવસ થયા નથી ત્યાં હવે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં અસામાજિક તત્વોએ શાંતિ ડહોળવાનો અને કૌમી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. નડિયાદમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી હિંસા ભડાકાવવાનું દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે. 


નડિયાદ જિલ્લા પંચાયત  પાસે આ ઘટના ઘટી છે. અહિંસા ચોક  નીચે  આવેલ  હનુમાન  મંદિરની  પ્રતિમા ખંડિત કરવામાં આવી  છે.  સ્કૂટર પર  આવેલ  એક  આધેડ  દ્વારા મોટા પથ્થર થી  હનુમાન પ્રતિમા ખંડિત કરવામાં આવી  છે. હનુમાન મંદિરે એક્ટિવા લઈ આવેલા શખ્સે હનુમાનજીની મૂર્તિ પર  મુખ ઉપર મોટો પથ્થર મારતા મૂર્તિ ખંડિત થઇ હતી અને મૂર્તિની  આંખ તુટીને નીચે પડી હતી અને મુખ ઉપર પથ્થર વાગતા મુખ ખંડિત થયું હતું.


આ ઘટના બનતા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હતી. આ ઘટના બનતા ખેડા જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ અને જીલ્લા મહામંત્રી ઈશ્વરદાન બારોટ મંદિરે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને સીસીટીવી અને આજુબાજુના લોકોની મદદથી આ કૃત્ય કરનારની શોધખોળ હાથ ધરી છે.  


અલવરમાં 300 વર્ષ જૂનું મંદિર તોડી પડાયું
હાલમાં જ રાજસ્થાનના અલવરના રાજગઢમાં ત્રણ મંદિરો તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. આ મંદિરોમાં ભગવાન શિવ, હનુમાનજી અને અન્ય અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ હતી. જે ખંડિત થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિર તોડી પાડવા દરમિયાન સ્થાનિક લોકોએ વિરોધ કર્યો ત્યારે પોલીસે બળપ્રયોગ કરીને સ્થાનિક લોકોને રસ્તા પરથી હટાવ્યા હતા.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એક મંદિર 300 વર્ષ જૂનું હતું. 


રાજસ્થાનના રાજગઢ, અલવરમાં ત્રણ મંદિરો તોડી પાડવાના મામલા બાદ ભારતીય જનતા પાર્ટી રાજ્યની સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કરી રહી છે. અલવરના સરાય મોહલ્લામાં સ્થિત 300 વર્ષ જૂના મંદિરને તોડી પાડવાથી નારાજ ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસને પૂછ્યું કે શું આ ધર્મનિરપેક્ષતા છે?


BJPના IT સેલના પ્રભારી અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું- રાજસ્થાનના અલવરમાં વિકાસના નામે 300 વર્ષ જૂનું શિવ મંદિર તોડી પાડવામાં આવ્યું... કરૌલી અને જહાંગીરપુરીમાં આંસુ વહાવવા  અને હિંદુઓની આસ્થાને ઠેસ પહોંચાડવી- આ કોંગ્રેસની ધર્મનિરપેક્ષતા છે.