Amreli News: અમરેલીના સાંસદ નારણ કાછડીયા વધુ એક વખત વિવાદમાં આવ્યા છે. સાંસદ નારણ કાછડીયાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં તેઓ સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી ધમકાવતી રહ્યા છે. સાંસદની આ પ્રકારની ઓડિયો ક્લિપ ફરતી થતાં ભાજપમાં ખળભળાટ મચ્યો છે.


શું છે મામલો

અમરેલીના સાંસદ નારણ કાછડીયા અને સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ પ્રતીક નાકરાણીને ધમકાવતા હોય તે પ્રકારની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સાવરકુંડલા પાલિકા દ્વારા શહેરના મેઇનબજાર અને સિનેમા વિસ્તારના મુખ્ય માર્ગો ઉપર આર સી સી રોડ બનાવવામાં આવ્યો હતો, જેનો કોન્ટ્રાક્ટ સાંસદના જમાઈની કથા કન્સ્ટ્રક્શન એજન્સીને સોંપવામાં આવ્યો હતો. આ રોડ તૂટી જતાં વેપારી દ્વારા થોડા મહિના પહેલા નવા વરણી થયેલા ઉપપ્રમુખ પ્રતીક નાકરાણીને રજૂઆતો કરતા હતા. આ બાબતે તેઓ ચીફ ઓફિસર સાથે અવાર નવાર વાતચીત કરતા હતા. તે બાબતની સાંસદને જાણ થતા તેમના દ્વારા ઉપપ્રમુખને ધમકાવામાં આવ્યા હતા.  


ડી.કે.પટેલ, સદસ્ય અને પૂર્વ પાલિકા પ્રમુખનું નામ પણ ક્લિપમાં

સાંસદ અને પાલિકાના ઉપપ્રમુખની વાતચીતની કથિત ઓડિયો ક્લિપ ફરતી થતાં તેમાં સાંસદ દ્વારા પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સદસ્ય ડી.કે.પટેલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઓડિયો ક્લિપને લઈ ડી.કે પટેલે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આગાઉ પાલિકાના પ્રમુખ તરીકે ફરજ બજાવતો હતો ત્યારે પણ આ સાંસદના જમાઈની કથા કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા પાલિકાના કામ કરવામાં આવેલ હતા ત્યારે નબળું કામ ચલાવવામાં આવ્યું નહોતું, કોઈની ભલામણ અમલમાં રાખી નહોતી, તેના કારણે છેડતી,તડીપાર જેવા અનેક ખોટા ગુનાઓ મારા ઉપર કરવામાં આવ્યા હતા. સાવરકુંડલા પાલિકા સાંસદ નારણ કાછડીયાના ઇશારે ચાલે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ડી કે પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.