Gujarat Weather Forecast: મેઘરાજાએ ગઇકાલે ઉત્તર ગુજરાત અને આજે અમદાવાદ અને ગાંધીનગરમાં જબરદસ્ત વરસાદી બેટિંગ કરી છે. વરસાદને લઇને હવામાન વિભાગે તાજુ અપડેટ આપ્યુ છે, જે અંતર્ગત આજે આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ ખાબકશે, રાજ્યમાં એક સાથે 19 જિલ્લામાં વરસાદી એલર્ટ અપાયુ છે. સવારથી અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને ત્રણ કલાક માટે ક્યાં ક્યા વરસાદ પડશે તેની ચેતવણી આપી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં આજે ભારે વરસાદ ખાબકશે. આગામી ત્રણ કલાકમાં અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેરા, આનંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ  અને વીજળી સાથે મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે સાબર કાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આજે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. 16 ઓગસ્ટથી પાટણ સિવાય તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે. આવતીકાલથી આગામી સાત દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 18 ઓગસ્ટના રોજ અત્યંત ભારે વરસાદની આગાહી છે. 18 થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે. પરંતું 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટશે. માછીમારોને 18 થી 20 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના છે. 

17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે. ખાસ કરીને, 17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. ભારે વરસાદના કારણે નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થશે અને નર્મદા નદી બે કાંઠે વહે તેવી શક્યતા છે. આ ઉપરાંત, તાપી અને સાબરમતી નદીઓમાં પણ પાણીની આવકમાં વધારો થઈ શકે છે. સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહેશે તેવું પણ તેમનું કહેવું છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને લઈ આ આગાહી કરવામાં આવી છે.