ગાંધીનગર: રાજ્યમાં સીઝનનો સરેરાશ 106.78 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસા દરમિયાન સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, તો કચ્છમાં પણ ભરપૂર વરસાદ વરસ્યો છે. અત્યાર સુધીમાં સીઝનનો સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં 213. 57 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સીઝનનો 141.35 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 92.29 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 92.22 ટકા વરસાદ પડ્યો છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 242 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં નવ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજકોટના ગોંડલ તાલુકામાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના 49 તાલુકામાં 2થી 4 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે.

રાજ્યમાં 29 ઓગસ્ટથી ફરી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 28 ઓસ્ટ સુધી વધુ વરસાદ નહીં પડે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા 29 ઓગસ્ટથી ભારે વરસાદ પડી શકે છે.