Baba Bageshwar Divya Darbar: બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આજથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. બાબા આજે સવારે ચાર્ટડ પ્લેન મારફતે સવારે 11 વાગ્યે અમદાવાદ એયરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી બાબા સીધા જ વટવા ખાતે ઠાકુર દેવકીનંદનની મુલાકાતે પહોંચશે. જ્યાં બાબા દેવકીનંદન સાથે ભોજન લીધા બાદ સાંજે વટવાના શ્રીરામ મેદાનમાં ચાલતી શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે. અહીં ત્રણ કલાકના રોકાણ બાદ સાંજે છ વાગ્યે બાબા ચુસ્ત સુરક્ષા ખાતે સુરત જવા રવાના થશે.


આવતીકાલથી બે દિવસ સુરતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાબાનો દિવ્ય દરબાર યોજાશે. બે દિવસ દરમિયાન બાબાના કાર્યક્રમમાં સુરત તથા આસપાસના જિલ્લા અને રાજ્યમાંથી અઢી લાખથી વધુ લોકો હાજરી આપે તેવી શક્યતાઓ છે.


તો 28 મેના ગાંધીનગરમાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાશે. ઝુંડાલમાં યોજાનારા બાબાના કાર્યક્રમમાં ગુજરાત ભરના સાધુ સંતો ઉપસ્થિત રહેશે.


જ્યારે 29 અને 30 મેના બાબાનો દરબાર અમદાવાદમાં યોજાશે. અમદાવાદના ચાણક્યપુરી ગ્રાઉન્ડમાં બાબાનો દરબાર યોજાશે. અહીં પણ દૈનિક લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે. તો અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કરી બાબા સીધા જ રાજકોટ પહોંચશે.


1 જૂનથી બે દિવસ રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબાનો દરબાર ભરાશે. દિવ્ય દરબાર પહેલા 29મી તારીખે રાજકોટના રાજમાર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ ભાગ લેશે. તો 3 જૂનના વડોદરામાં બાબાનો એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સાંજે 5થી 9 વાગ્યે નવલખી મેદાનમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાશે. દિવ્ય દરબારમાં ખૂબ મોટી સંખ્યામાં વડોદરાવાસીઓ જોડાશે.


બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને મળી Y કેટેગરીની સુરક્ષા


પ્રખ્યાત કથાકાર બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે. તેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. થોડા સમય પહેલા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. Y સુરક્ષામાં એક કે બે કમાન્ડો હોય છે. આ સુરક્ષા વર્તુળમાં પોલીસકર્મીઓ સહિત આઠ જવાન સામેલ છે.


મળી હતી જાનથી મારી નાખવાની ધમકીઓ


થોડા મહિના પહેલા બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને તેમના પરિવાર સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. અમર સિંહ નામના વ્યક્તિએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાકાના દીકરાને ધમકીભર્યો ફોન કર્યો હતો. ફોન કરનારે કહ્યું હતું કે, "ધીરેન્દ્ર શાસ્ત્રીના પરિવાર સાથે તેરમીની તૈયારી કરી લો." આ કોલ બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી.