ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવશે. આ માટે સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ ગઈ હોવાની વાત પ્રવક્તા મંત્રીશ્રી ઋષિકેશ પટેલ કરી છે. વર્ષ 2024 થી 2033 માટેનું ભરતી કેલેન્ડર તૈયાર કરાશે. વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન કૂલ-૧,૫૬,૪૧૭ જગ્યાઓ સામે ૧,૬૭,૨૫૫ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી હોવાની વાત મંત્રીએ કરી હતી.


મુખ્યંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા માટેના ભરતી કેલેન્ડર સંદર્ભના નિર્ણયમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે. આ અગાઉ વર્ષ 2014માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર-2023મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ 2024 થી 2033 માટે વહીવટી વિભાગોમાં જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ છે.


જેના અંતર્ગત અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગ અને સચિવ,ખર્ચ કક્ષાએ તમામ વહીવટી વિભાગો સાથે નવું ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે.જૂન,જુલાઈ અને ઓગષ્ટ માસ દરમિયાન બેઠકો યોજીને દરેક વહીવટી વિભાગ માટેના નવા ભરતી કેલેન્ડર તૈયાર કરીને નવીન કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૪ થી ૨૦૨૩ દરમિયાન કૂલ-૧,૫૬,૪૧૭ જગ્યાઓ ભરવાનું રાજ્ય સરકારનું આયોજન હતું. જેની સામે હાલની સ્થિતિેએ ૧,૬૭,૨૫૫ જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે. 


ઉનાળામાં રાજ્યમાં પાણીની સ્થિતિને લઈને સરકારે આપ્યો જવાબ


રાજ્યમાં ઉનાળામાં પાણીની તંગી અને જળશયોમાં પાણીની સ્થિતિને લઈને આજે ગુજરાત સરકારે મહત્વની માહિતી રજૂ કરી છે. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળામાં રાજ્યના નાગરિકોને પીવાના પાણી સહિત અન્ય જરૂરિયાતો માટે વપરાતા પાણીની કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પાણી વિતરણ માટે આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. 


રાજ્યના ૭૨ જળાશયો આધારિત જે જુથ યોજનાઓ પાણી મેળવે છે, તે તમામ જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત કરવામાં આવ્યું છે. ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબ વેલ પણ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મિનિ યોજનાઓ પણ કાર્યરત કરવામાં આવી છે.


ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. રાજ્યના દરેક નાગરિકને પૂરતું પાણી મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા-વિચારણા કરાઈ હતી. જેની વિસ્તૃત વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના નર્મદા આધારિત ૧૦,૦૪૦ ગામ અને અન્ય સરફેસ સોર્સ આધારિત ૪૪૨૦ ગામને મળી કુલ ૧૪,૪૬૦ ગામને પાણી પુરવઠો પૂરો પાડવા ૨૬૬ જુથ યોજનાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેતા ગામો મીની યોજના,ટ્યુબ વેલ,કુવા,હેન્ડ પમ્પ જેવા સ્થાનિક સોર્સ આધારિત સ્વતંત્ર યોજના મારફત પાણી મેળવી રહ્યા છે. 


આગામી દિવસોમાં જરૂરિયાત જણાયે નવા ૨૦૦ ડી.આર. બોર તેમજ ૩૦૦૦ જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.  મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલની ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને લઇ હેન્ડ પંપની મરામત અને નિભાવણી માટે ૧૪ જિલ્લાઓમાં ૧૮૭ જેટલી ટીમ નિયુક્ત કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારની આંતરિક પાણી વિતરણની યોજનાઓ સંભાળતા ઓપરેટરોને આઇ.ટી.આઇ. મારફત તાલીમ આપી, જરૂરી સાધનોની ટૂલ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દર ૧૫ દિવસે આ ઓપરેટરોને જુથ યોજનાના હેડવર્કસ પર રિફ્રેશર તાલીમ પણ આપવામાં આવે છે.