Banaskantha: રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના પાલનપુરમાં ગત રાત્રે હાર્ટ અટેકના કારણે 23 વર્ષીય યુવકનું મોત થયું હતું. તે ગાડીમાં નાસ્તો બનાવી પરિવારનું ગુજરાત ચલાવતો હતો. નમન સિસોદિયા નામનો યુવક નાસ્તો વેચતા વેચતા અચાનક ઢળી પડ્યો હતો. જેને પગલે તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.


ગઇકાલે નર્મદાના ડેડીયાપાડાના 28 વર્ષીય યુવક નરેશ વસાવાનું પણ  હાર્ટ અટેકથી મોત થયું હતું. રાજ્યમાં દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે વલસાડ જિલ્લામાં 28 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. નર્મદાના ડેડીયાપાડાનો  28 વર્ષીય યુવક હોટેલમાં વેઇટરનું કામ કરતો હતો. તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા 108 બોલાવી હતી. જો કે 108 ના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક રીતે હાર્ટ એટેકથી મોતનું તારણ તબીબે વ્યક્ત કર્યું છે. મોતનું સાચું કારણ જાણવા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.


તો બીજી તરફ ભાવનગર, ધોરાજી, સુરેન્દ્રનગર, અમરેલી, મોડાસા, વડોદરામાં હાર્ટ અટેકથી જીવ ગુમાવ્યાના અહેવાલ છે.


અરવલ્લીના મોડાસામાં 55 વર્ષીય નરેશ મહેતાનું હાર્ટ અટેકથી મોત થયું હતું તેઓ  પોસ્ટ ઓફિસનું રીકરીંગ અને એલઆઇસી એજન્ટ તરીકે કામ કરતા હતા. છાતીમાં દુખાવા બાદ તેઓ અચાનક બેભાન થયા હતા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા અને હાર્ટ અટેકથી મોત થયાનું કારણ રજૂ કર્યું હતું


તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં છેલ્લા 36 કલાકમાં હાર્ટ અટેકના કારણે 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો. સુરેન્દ્રનગરના લખતર તાલુકમાં હાર્ટ એટેકથી છેલ્લા ૩૬ કલાકમાં બીજા યુવકનુ મોત નિપજ્યું છે. લખતરના લીલાપુર ગામે રહેતા 43 વર્ષના યુવક આલાભાઈ સભાડનુ હાર્ટએટેકથી મોત નિપજ્યું છે. યુવકના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.       


સુરેન્દ્રનગરના લખતર શહેરના મફતિયાપરા વિસ્તારમાં રહેતા 32 વર્ષના યુવક સુરેશભાઈ ઘુઘલિયાનું પણ  ગઇ કાલે હાર્ટએટેકથી મોડી રાત્રે મોત થયું હતું. તેમને અચાનક રાત્રે છાતીમાં દુખાવો થતાં સારવાર અર્થે લખતર હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જો કે દુર્ભાગ્યવશ તેની જિંદગી ન બચાવી શકાય અને  ડોક્ટરએ યુવકને  મૃત જાહેર કર્યો.નાની ઉમરે યુવકનુ હાર્ટએટેકથી મોત નીપજતાં પત્ની, ત્રણ સંતાનો સહિત પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ  છે.