પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ભાખર પાસે મુકબધીર સગીરાનું ગળું કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 12 વર્ષીય સગીરાની ક્રુરતા પૂર્વક હત્યા કરવામાં આવી છે. ગુમ થયા બાદ સગીરાની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. આ અંગે જાણ થતા દાંતીવાડા પોલીસ સહિત ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળેથી સગીરાનું માથું અને ધડ અલગ અલગ મળી આવ્યા હતા. ધડથી 20 ફૂટ દૂરથી માથું મળી આવ્યું હતું.



હત્યા અગાઉના કિશોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં એક શખ્સ કિશોરીને બાઇક પર લઈ જતો હોવાનું દેખાય છે. ડીસાના શિવનગર વિસ્તારની 12 વર્ષીય મૂકબધીર કિશોરી ગઈકાલે સાંજે સાત વાગ્યાની આસપાસ ઘરેથી ગુમ હતી. તેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જો કે, મોડી સાંજ સુધી કિશોરીની કોઇ જ ભાળ મળી નહોતી. જેથી પરિવારજનોએ ડીસા ઉત્તર પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ આપી હતી.

આ પછી આજે સવારે ભાખર ગામમાં કિશોરીની લાશ મળી આવતા દાંતીવાડા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ડુંગરા પાસેના ખાડામાં બાળકીની લાશ મળતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.