Banaskantha : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કરમાવદ તળાવ અને મુક્તેશ્વર ડેમને નર્મદાના નીરથી ભરાવની  માંગ સાથે છેલ્લા અઢી મહિનાથી ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો છે. જળ આંદોલન સમિતિની મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં મુખ્યપ્રધાને  કરમાવદ તળાવમાં પાણી નાખવાની ખાતરી આપતા હવે આંદોલન સમેટાયું છે. આજે 30 જૂને જળ આંદોલન સાથે જોડાયેલા   125 ગામના આગેવાનોએ સ્વ.લાલજી મામાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી. 


અઢી મહિનાથી ચાલતું હતું આંદોલન 
વડગામ તેમજ પાલનપુર તાલુકાના 125 ગામના ખેડૂતોએ પાણી  માટેની માંગ સાથે આ જળ આંદોલનની શરૂઆત કરી હતી. છેલ્લાં અઢી મહિનાથી ચાલી રહેલા આંદોલનમાં ખેડૂતોએ કરમાવદ તળાવમાં પાણી ઠાલવવાની માંગ સાથે 20 હજાર ખેડૂતોની રેલી સહિત ખેડૂતોએ કાર્યક્રમો કર્યા હતા. મુખ્યપ્રધાને ખેડૂતોની પાણીની  જરૂરિયાતને સમજી જળ આંદોલન સમિતિ સાથે બેઠક કરી હતી જેમાં સરકારના ઇજનેર સહિત જિલ્લાના સ્થાનિક આગેવાનો પણ હજાર રહ્યા હતા.કરમાવાદ તળાવમાં પાણી નાખવા માટે  મોઢેરાથી દાઉં અને દાઉંથી મોકતેશ્વરમાં  પાઇપ લાઈન દ્વારા પાણી પહોચાડવામાં આવશે.તેમજ મુક્તેશ્વર ડેમમાંથી પાણી કરમાવાદ તળાવમાં નાખવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. 


સરકાર માંગ પૂરી થતાં જળ  આંદોલન સમિતિ દ્વારા આંદોલનમાં સહકાર આપનાર 125 ગામના ખેડૂતો, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ,  જિલ્લા વહીવટી તંત્ર તેમજ એબીપી અસ્મિતા નો આભાર માન્યો હતો. 


મુખ્યપ્રધાને 500 કરોડના કામો મંજૂર કરવાની ખાતરી આપી  
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જળ આંદોલન સમિતિના સભ્યોને કરમાવદ અને મુક્તેશ્વર તળાવ નર્મદાના પાણીથી ભરવાનું આશ્વાસન આપવાની સાથે આ કામ માટે  500 કરોડના કામો મંજૂર કરવાની ખાતરી આપી છે. ડીન્ડરોલથી મુક્તેશ્વરમાં 100 ક્યુસેક પાણી નાખવાની પાઇપ લાઈન મંજૂર કરવામાં આવી છે. 


આ સાથે જ  મોઢેરાથી દાઉં અને દાઉંથી મુક્તેશ્વર માં  વધુ 200 ક્યુસેક પાણી પાઇપ લાઈન દ્વારા પહોચાડવાની ખાતરી આપવામાં આવી છે. મુખ્યપ્રધાને કહ્યું કે ટેકનિકલ અને વહીવટી બાબતોને ધ્યાને રાખી સરકાર ટુંક સમયમાં  જાહેરાત આ અંગે જાહેરાત કરશે.