Banaskantha News:  ડીસા શહેરના હીરા બજાર વિસ્તારમાં માતાએ છ મહિના સુધી પોતાના પુત્રને સાંકળથી બાંધી ઘરમાં જ રાખ્યો હતો. પતિ ઘર છોડીને ચાલ્યા ગયા બાદ પુત્ર ઘર છોડીને ન જાય તે માટે માતાએ પુત્રને છ માસ સુધી બંધક બનાવ્યો હતો. સામાજિક સંસ્થાને જાણ થતા પુત્રને છોડાવી ડીસાના શેલટર હોમમાં રખાયો છે. શેલટર હોમમાંથી વધુ સારવાર અને દેખરેખ માટે પાલનપુર ખસેડાયો છે. 


  ડીસામાં એક માતાએ પોતાનો વહાલો દીકરો પોતાનાથી દૂર ન થઈ જાય તેવી દહેશતથી તેને ઘરમાં જ પૂરીને સાંકળથી બાંધી બંધક બનાવી આંધળું વાત્સલ્ય દર્શાવ્યું હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. માનસિક અસ્વસ્થ માતાએ છ મહિનાથી મંથન નામના દીકરાને સાંકળથી બાંધી દીધો હતો અને બારીમાંથી જમવાનું આપવામાં આવતું. ઉપરાંત શૌચ ક્રિયા પણ રૂમમાં જ કરતો હતો.


ડીસા શહેરના હીરા બજાર વિસ્તારમાં રહેતા મુકેશભાઈ ટાટરીયા (ખત્રી) કોઈ કારણસર તેમની પત્ની અને 13 વર્ષના પુત્ર મંથનને છોડીને ઘરેથી જતા રહ્યા હતા ત્યારબાદ આજ દિન સુધી પરત આવ્યા નથી. જેના કારણે તેમની પત્નીને પુત્ર મંથન પણ ઘરેથી નાસી જશે તેવી દહેશતના કારણે તેમની માનસિક સ્થિતિ બગડવા લાગી હતી.જેથી મંથનને તેની માતાએ ઘરમાં જ રૂમમાં પૂરી દઈ સાંકળ થી બાંધી દીધો હતો અને તેને બારીમાંથી જમવાનું આપતી હતી જ્યારે રૂમને અને ઘરના મુખ્ય દરવાજાને તાળું મારી દીધું હતું. મંથનને મળમૂત્ર ત્યાગ કરવા પણ બહાર ન જવા દેતા તે રૂમમાં જ મળમૂત્ર ત્યાગ કરતો હતો.આમ છ માસથી માતાએ પુત્રને બંધક બનાવતા તેની માનસિક હાલત પણ ખરાબ થઈ ગઈ હતી.


આ બાબતની જાણ પાડોશીઓને થતા તેઓએ ડીસાના સેવાભાવી યુવકોનું ગ્રુપ સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપને કરતા યુવકોએ મંથન ને ઘરમાંથી બહાર કાઢી મંથનને નવડાવી ધોવડાવી ફ્રેશ કરી તેની માતાને સમજાવી હતી. જોકે તેની માતાએ ફરીથી તેને બંધક બનાવી દેતા સેવન સ્ટાર ગ્રુપના સભ્યોએ આ બાબતે પોલીસ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમને જાણ કરતા અધિકારીઓએ આવી મંથનને ફરીથી મુક્ત કરાવી પાલનપુર લઈ ગયા હતા.