Gujarat Rain: ગુજરાતમાં ભારે વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે. છેલ્લા 4 દિવસથી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ સહિત સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ અને બ્રિજ પર પાણી ફરી વળતાં અનેક રસ્તાઓ બ્લોક થઇ ગયા છે.


વડોદરામાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. વડોદરાના પાદરા તાલુકામાં પણ પાણી ફરી વળ્યાં છે.વિરપુર ગામના નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.મેઢાદ, હુસેપુર, કોઠવાડા ગામે પણ અસર થઇ છે. સરસવણીથી ઠીકરિયા ગામ તરફના રોડ પર પાણી ભરાતા રસ્તા બધ થઇ ગયા છે. પાદરામાં મેઢાદથી કરજણ રોડ પર પાણી ભરાતા હાઈવે બંધ થયોછે.પાદરા-કરજણ હાઈવે પર કોઠવાડા ગામના બ્રિજ પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે.


લીંબડી તાલુકાના સમલા ગામ પણ ભારે વરસાદના  કારણે બેટમાં ફેરવાયું છે. સમલા ગામમાં ફરતે પાણી ફળી વળતા ગ્રામજનોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. લીંબડી તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે શિયાણી ગામ પાસે આવેલ ભોગાવો નદી પર પાણી ફરી વળ્યુ છે. જેના કારણે અહીંના રસ્તા ત્રણ દિવસથી બ્લોક છે.


ભારે વરસાદના કારણે મોરબીમાં માળીયા નજીક રેલવે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું છે. રેલ ટ્રેક ધોવાતા રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક ટ્રેક રીપેરીંગ નું કામ ચાલુ કરવામાં આવ્યું છે.મોરબી-કચ્છ હાઈવે હજુ પણ બંધ છે. સૌરાષ્ટ્રને કચ્છ સાથે જોડતો હાઈવે 24 કલાકથી બંધ છે.


નદીના પાણી ફરી વળતા હાઈવેને જબરજસ્ત નુકસાન થયું છે. પાણીના પ્રવાહે ડામરના રોડને અનેક ઠેકાણે ઉખાડી દીધો છે. હાઈવેની બંને સાઈડ 10-10 કિમીનો ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છને જોડતો હાઇવે બંધ થતાં  સૌરાષ્ટ્રથી કચ્છ જતાં વાહનો પ્રભાવિત થયા છે.  


જામનગર એસટી બસ ડેપો વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે. જામનગર એસટી બસ ડેપો પણ હાલ જળમગ્ન છે. બસના અનેક રૂટો પણ  બંધ કરાયા છે. હિંમતનગરના રાયગઢ નજીકનો પ્રતાપ સાગર તળાવ ઓવરફ્લો થતાં  ડીપ બ્રિજ પર પાણી ફરી વળ્યાં છે, ડીપ બ્રિજ પર પાણી ફરી વળતા આ બ્રીજ પર પણ અવરજવર બંધ  કરાઈ છે.