બનાસકાંઠા: ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલમાં એક વર્ષ અગાઉ શિક્ષક અને 4 છાત્રો દ્વારા છેડતીનો ભોગ બનેલ વિધાર્થિનીએ આત્મહત્યા કરી લીધી છે. વિધાર્થિનીએ 10 દિવસ પહેલા સુસાઇડ નોટ લખી ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. સુસાઇડ નોટમાં વિધાર્થિનીએ એક વર્ષ વીતી જવા છતાં પણ પોલીસે આરોપીઓ સામે કોઇ કાર્યવાહી ન કરતાં તેને આપઘાત કરવા મજબુર થવું પડ્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. 


મૃતક વિધાર્થિનીના કાકાએ વિધાર્થિનીના મોત બાદ ભાભર પોલીસ મથકે દુષ્પેરણા અને આત્મહત્યાનો મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી શિક્ષક નવીન દરજીની અટકાયત કરી છે. ભાભર પોલીસે અન્ય 4 આરોપી વિધાર્થીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓએ મૃતક વિધાર્થીનીનો વિડિયો વાઇરલ કરવાની ધમકી આપી રહ્યા હતા જેને લઈને વિધાર્થિની ડિપ્રેશનમાં રહેતી હોવાનો તેના પરિવારે આક્ષેપ કર્યો છે.


ગામમાં દારુનું દુષણ વધતા સરપંચે એવો આદેશો કર્યો કે આખા રાજ્યમાં થઈ રહી છે ચર્ચા
જૂનાગઢ: આમ તો ગુજરાતમાં દારુબંધી છે પરંતુ તે માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે દારુ પીવાના અસંખ્ય કેસો અનેક વિસ્તારમાંથી સામે આવતા રહે છે. સરકારી કચેરીઓમાંથી પણ દારુની ખાલી બોટલો મળી આવવાના કિસ્સા પણ સામે આવી ચૂક્યા છે. દારુ પીવાના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. હવે આવી જ ઘટના સામે આવી છે જૂનાગઢ જિલ્લાના પસવાડા ગામે કે જ્યાં દારૂના કારણે 11 લોકોના સમયાંતરે મોત નિપજી ચૂક્યા છે. 


ગામમાં વધી રહેલા દારુના દૂષણને ડામવા માટે સરપંચે બીડુ ઉઠાવ્યું છે અને ઢોલી પાસે ઢોલ વગડાવી જાહેરાત કરાવી છે. ગામમાં દારૂ પીનાર અને વેચનાર સામે કડક કાર્યવાહી કરવાની સરપંચે જાહેરાત કરી છે. હાલમાં આ ઘટનાનો વીડિયો ખુબ લાયરલ થયો છે. આ ઉપરાંત લોકો સરપંચની આ કામગીરીના વખાણ કરી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં દારુબંધી કેટલી કડક છે તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.


આ દરિયા કિનારે ફરવા જતા પ્રવાસીઓ સાવધાન! કલેક્ટરે ન્હાવા પર લગાવી દીધો પ્રતિબંધ
દમણ: ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ દમણના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે દમણ કલેકટર આદેશ જારી કર્યો છે. ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 16 મી જૂનથી 31મી ઓગષ્ટ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. દમણના સ્થાનિક લોકો, પર્યટકો કે વિદેશી પ્રવાસીઓને દરિયામાં ન્હાવા પર રોક લગાવાઈ છે. આદેશનો ભંગ કરનાર લોકો વિરુધ કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે.