દમણ: ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ દમણના દરિયામાં ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ અંગે દમણ કલેકટર આદેશ જારી કર્યો છે. ચોમાસા દરમિયાન દરિયો તોફાની રહેતો હોવાથી ન્હાવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 16 મી જૂનથી 31મી ઓગષ્ટ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. દમણના સ્થાનિક લોકો, પર્યટકો કે વિદેશી પ્રવાસીઓને દરિયામાં ન્હાવા પર રોક લગાવાઈ છે. આદેશનો ભંગ કરનાર લોકો વિરુધ કાયદેસરની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી છે.
ગુજરાતમાં મેઘરાજાના મંડાણ, સુરતના કામરેજમાં 2.5 ઇંચ વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદના મંડાણ થઈ ગયા છે. ગઈ કાલે પણ રાજ્યમાં સારો વરસાદ પડ્યો હતો. રાજ્યના 61 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સુરતના કામરેજ તાલુકામાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી વલસાડના કપરાડા, વડોદરાના કરજણ, સુરતના પલસાણામાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
જ્યારે બોટાદ, લીંબડી લિલિયા વડિયા, તારાપુર તાલુકામાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે બારોડલી, સુરતના મહુવા, સુરેન્દ્રનગરના વઢવાણ, નવસારી, વલસાડ અને ધારીમાં અડધા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાયના તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો.
સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારીમાં આજે ધોધમાર વરસાદ પડશે. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. નૈઋત્યના ચોમાસાએ ઉત્તર અરેબિયન સમુદ્ર તેમજ ગુજરાતના અન્ય કેટલાક હિસ્સામાં આગેકૂચ કરી છે. જેને પગલે આજે સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે.
તો આવતીકાલે જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય આજથી રવિવાર સુધી અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવાની સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે.