ભરૂચઃ ભરૂચ શહેરના ગાંધીબજાર વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરોમાં એક જ દિવસમાં 3 લોકો ખાબક્યા હતા. જેના સીસીટીવી વીડિયો સોશ્યિલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. જોકે ખુલ્લી ગટરોને બંધ કરવા અથવા ભયજનક બોર્ડ મુકવામાં નગરપાલિકાની આળસ ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિનો ભોગ લઇ શકે છે.


ભરૂચ શહેરમાં એક સપ્તાહથી સતત વરસાદ વરસી રહયો છે. સમગ્ર ભરૂચ શહેરનું પાણી વિવિધ વિસ્તારોમાં થઇને ગાંધીબજાર અને ફુરજામાંથી પસાર થઇ નર્મદા નદીમાં ભળી રહયું છે. સામાન્ય વરસાદમાં પણ ફુરજા અને ગાંધીબજાર જળબંબાકાર બની જાય છે, ત્યારે અહીંની ગટરો મોતના કુવા સમાન બની ચુકી છે. પાણીના કારણે રસ્તો કયાં છે અને ગટર કયાં છે તેનો લોકોને ખ્યાલ આવતો નથી, ત્યારે મંગળવારના રોજ એક જ દિવસમાં 3 લોકો ખુલ્લી ગટરમાં ખાબક્યા હતાં.



એક યુવતી ગાંધીબજાર વિસ્તારમાં ખરીદી માટે આવી હતી. આ યુવતી હાથમાં સામાન લઇને દુકાનની બહાર નીકળી તેવી અચાનક જ ગટરમાં પડી ગઇ હતી, ત્યારે આસપાસના લોકોએ દોડી આવી યુવતીને ગટરમાંથી બહાર કાઢી તેનો જીવ બચાવી લીધો હતો.



જયાં યુવતી ગટરમાં ખાબકી હતી તે ગટરમાં જ સાયકલ લઈને ત્યાંથી પસાર થતા એક વૃદ્ધ પણ પડ્યા હતા. અચાનક ગટરમાં પડી જતા હેબતાઈ ગયેલા વૃદ્ધને બચાવવા માટે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

ગાંધીબજારમાં જ એક દુકાનમાંથી બહાર નીકળ્યા બાદ યુવાન લોખંડની જાળી પર ઉભો રહી પાણી હોવાથી બહાર કેવી રીતે નીકળવું તેની મુંઝવણ અનુભવી રહયો હતો. યુવાને જેવો પાણીમાં પગ મુક્યો કે તે સીધો ગટરમાં પડી ગયો હતો. સદનસીબે સ્થાનિક રહીશોએ તેને બચાવી લીધો છે.

જોકે ગાંધીબજાર વિસ્તારની આ ત્રણેય ઘટના ભરૂચ નગરપાલિકાના પાપે સર્જાઈ હોવાનો ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ તેજપ્રીત સોકીએ આક્ષેપ કર્યો હતો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ગટરો ખુલ્લી હોવા છતાં નગરપાલિકાએ ભયજનક બોર્ડ કે આડાશ મુકવાની પણ તસ્દી લીધી નથી. અહીં છાશવારે બની રહેલાં બનાવોના કારણે લોકોમાં રોષ ફેલાયો છે. ગાંધીબજારની ખુલ્લી ગટરો મોતના કુવા સમાન બની ચુકી છે. વહેલી તકે સલામતીના પગલાં ભરવામાં નહીં આવે તો લોકોને પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવી શકે છે.