ભરૂચ: દહેજ જીઆઇડીસીમાં આવેલી યશસ્વી રસાયણ કંપનીમાં બુધવારે બપોરના સમયે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેમાં 8 લોકોનાં મોત થયા છે અને 57 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળે 6 કામદારના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે સારવાર દરમ્યાન 2નાં મોત થયા હતા. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

કંપનીમાં રાસાયણિક પક્રિયા દરમિયાન 2 કેમિકલ વચ્ચે રીએકશન થવાથી પ્રચંડ ધમાકો થયો હતો. ધમાકાના કારણે પ્લાન્ટના ફુરચે ફુરચા ઉડી ગયાં હતાં. પ્લાન્ટમાં કામ કરી રહેલા કામદારો ગંભીર રીતે દાઝી ગયાં હતાં. કંપનીમાં કામ કરી રહેલા કામદારો દાઝેલી હાલતમાં જીવ બચાવવા બહાર દોડી આવ્યાં હતા, જયારે કેટલાક કામદારો આગમાં ફસાયા હતા.



કંપનીમાં થયેલો બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે આસપાસ આવેલાં લખીગામ, લુવારા સહિતના ગામોમાં મકાનોમાં તિરાડો પડી ગઇ હતી તેમજ કેટલાય વાહનોના કાચ પણ તુટી ગયાં હતાં.