Bharuch : ભરૂચ: ભરૂચની જામા મસ્જિદને જૈન તીર્થ હોવાનો દાવો કરવામાં આવતા શરૂ થયેલા વિવાદ વચ્ચે આજે સંત સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સંત સમાજ હોસ્ટેલ ગ્રાઉન્ડથી રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચશે અને ઐતિહાસિક ધરોહરની નિયમો મુજબ જાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવશે.

Continues below advertisement

આંદોલનને લઈને ભરૂચ સહિત બહારના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં સંતો અને સમર્થકો શહેરમાં પહોંચ્યા છે. આ રેલીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને જામા મસ્જિદ વિસ્તાર તેમજ રેલીના રૂટ પર પોલીસના વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાક્રમ પર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સતત નજર રાખી રહ્યા છે.

Continues below advertisement

નોંધનીય છે કે જૈન સમાજના એક સંતે દાવો કર્યો હતો કે જ્યાં હાલમાં જામા મસ્જિદ આવેલી છે, તે સ્થળે પ્રાચીન જૈન તીર્થ ‘સમડી વિહાર’ આવેલું હતું. સંતના જણાવ્યા મુજબ જૈન ઈતિહાસમાં સમડી વિહારનું વિશેષ મહત્વ રહેલું છે અને આ સ્થળ સાથે જૈન ધર્મની ઐતિહાસિક પરંપરા જોડાયેલી છે.  જૈન સમાજ તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લંકાની એક રાજકુમારીએ અહીં ભવ્ય જૈન તીર્થનું નિર્માણ કરાવ્યું હતું. વિવાદ વચ્ચે જૈન સંતોએ સ્થળના ભોંયરાની તપાસ કરવાની માંગ કરી હતી, જોકે તેમને ત્યાં જવાની મંજૂરી આપવામાં આવી નહોતી. જેના કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.

જૈન સમાજના આગેવાનોનો દાવો છે કે અગાઉ પણ આ વિસ્તારમાં જૈન સમાજ સાથે સંકળાયેલી મૂર્તિઓ મળી આવી હતી, જે તેમના દાવાને વધુ મજબૂત બનાવે છે. બીજી તરફ આ મામલે વિવિધ પક્ષોમાં ચર્ચા અને મતભેદો જોવા મળી રહ્યા છે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આ સ્થળને લઈને હવે આગામી દિવસોમાં વિવાદ વધુ ગરમાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.  જૈન સમાજે આક્ષેપ કર્યો છે કે સ્થળ પર કરાયેલું નવું બાંધકામ તદ્દન ખોટું છે અને પુરાતત્વ વિભાગે અગાઉ આ ઐતિહાસિક ધરોહરની ભારે ઉપેક્ષા કરી છે. જૈન સમાજ દ્વારા આ પવિત્ર અને ઐતિહાસિક ધરોહરના સંરક્ષણ માટે સમગ્ર સ્થળનું વૈજ્ઞાનિક શુદ્ધિકરણ અને યોગ્ય સંવર્ધન કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી હતી. સંતે સ્થળના ભોંયરાનું નિરીક્ષણ કરવાની માંગ કરી હતી, પરંતુ તેમને ત્યાં જવાની મંજૂરી આપવામાં આવી ન હોવાનું જણાવાયું છે. આ મુદ્દે તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સ્થળ અંગે કોઈ શંકા ન હોય તો તપાસ અને નિરીક્ષણમાં અવરોધ કેમ ઉભો કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે  ભરૂચની ઐતિહાસિક મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જિલ્લા કલેક્ટરે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું હતું. રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલી જામા મસ્જિદની મુલાકાત માટે નવી માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી છે. જાહેરનામા મુજબ સ્મારકની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓએ પોલીસ અને પુરાતત્વ વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે. સ્મારકની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને તેના મૂળ ઐતિહાસિક સ્વરૂપને નુકસાન પહોંચાડતી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત મસ્જિદના સ્ટ્રક્ચરમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કે છેડછાડ કરવાની મંજૂરી રહેશે નહીં. ભીડભાડની સ્થિતિ સર્જાય ત્યારે મુલાકાતીઓ માટે તબક્કાવાર પ્રવેશ અને મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવશે.