ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોને લઈ સતત ચર્ચામાં રહે છે.   આજે વધુ એક વખત ખનીજચોરી મામલે મામલતદારને જાહેરમાંઝાટકણી કાઢી વિવાદમાં આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ફરી એક વખત આકરા તેવર જોવા મળ્યા છે. ઓવરલોડ વાહનો બાબતે મનસુખ વસાવાએ મામલતદારની જાહેરમાં ઝાટકણી કાઢી હતી. 


ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર પર  હપ્તા લેતા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. વડોદરાના કરજણના નારેશ્વર રોડ પર ડંપર ચાલકે બાઈકને હડફેટે લીધા હતા. જેમાં બાઈક સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મત્યુ થયા હતા. આ અંગે સાંસદ મનસુખ વસાવાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.  તેમની સાથે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ પણ જોડાયા હતા. ત્રણેય મૃતકના પરિજનો તેમજ સ્થાનિક લોકોએ આ દુખદ ઘટનાનો ઉગ્ર સુત્રોચ્ચાર કરી ન્યાયની માંગણી કરી છે.  કરજણ પોલીસ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. 


બે દિવસ પહેલા કરજણના માલોદ ગામ નજીક ડમ્પરની ટક્કરે ભરૂચના ઝનોર ખાતે રહેતા પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સ્થાનિક આગેવાનોની સાથે ઘટનાસ્થળની મુલાકાત કરી હતી. આ વિસ્તારમાં રેત માફિયાઓની વધેલી દાદાગીરીને લઈ મનસુખ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતા.    સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં મામલતદાર સહિતના અધિકારીઓને ખનીજચોરી કરતાં ડમ્પરો બંધ કરાવવા કહ્યું હતું, સાથે અધિકારીઓને કહ્યું હતું કે બહુ હોશિયારી નહીં મારવાની, તમારા બધા ધંધાની મને ખબર છે. 


સીઆર પાટીલની હાજરીમાં જયરાજસિંહે કર્યા કેસરીયા


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં જ ફરી પક્ષપલટાની મોસમ શરુ થઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ભાજપમાં જવાની  ચર્ચામાં રહેલા કૉંગ્રેસના નેતા જયરાજ સિંહ આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા છે.  કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ  સીઆર પાટીલ, ગોરધન ઝડફિયા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાધેલાની હાજરીમાં તેઓએ કેસરિયા કર્યા છે.


આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જયરાજસિંહનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, અમે કોઈનો ભરતીમેળો કરતા નથી. સરકારની યોજના લોકો સુધી પહોંચાડે તે તમામનું સ્વાગત છે. ભાજપ પ્રમુખ પાટીલ મોડા પડ્યા હોવાથી ભાજપના ઋષિકેશ પટેલ, ઝડફિયા અને રજની પટેલે કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. ગોરધન ઝડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યુ હતું કે, તેઓ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાચેલા છે. પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનું સ્વાગત કરીએ છીએ.