પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમ નામના જીવલેણ રોગના 10 કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.હાલ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘરખમ ઘટાડો થયો છે. જો કે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં બીજી એક જીવલેણ બીમારીના કેસ નોંધાતા ચિતામાં વધારો થયો છે.
ગોધરા શહેરમાં કોરોનાના કેસોમાં માંડ બે દિવસથી રાહત મળી હતી ત્યારે શહેરમાં જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમ નામના રોગે દેખા દેતા શહેરીજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો આ તરફ જીવલેણ રોગના લક્ષણો ને લઇ આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા સાપા રોડ,વાગડિયા વાસ, દયાનંદ નગર અને સતકેવલ સોસાયટી વિસ્તારમાંથી આ રોગના લક્ષણો ધરાવતા 10 ઉપરાંત કેસો મળી આવ્યા છે. જે તમામ દર્દીઓ વડોદરા ખાતે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે આ રોગના લક્ષણો ધરાવતાં ત્રણ દર્દીઓના શંકાસ્પદ મોત થતાં લોકોની ચિંતા વધી છે.
જીબીએસ ગુલિયન બેરી સિન્ડ્રોમથી પીડિત દર્દીના થયેલા મૃતકમાં બે બાળકો અને એક મહિલાનો સમાવેશ થાય છે. મૃતક મહિલા પૂનમ મછાર છે જેની ઉંમર 23 વર્ષ છે. ગોધરા શહેરમાં જીબીએસ રોગના દર્દીઓમાં ધીરે ધીરે વધારો થતાં શહેરીજનોમાં પણ ભારે દહેશત નો માહોલ છે.તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા 6જેટલી ટીમો બનાવી શહેરના ભુરાવાવ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં આ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનોમાં રહેતા અને આ રોગ ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના સેમ્પલ મેળવીને અમદાવાદ ખાતે મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
ગુલિયન બેરી સિન્ડ્રોમ બેક્ટેરિયા અને વાયરસ ના લીધે થતો રોગ છે. આ રોગ જેને લાગુ પડે છે તે દર્દીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા અને શરીરની નર્વસ સિસ્ટમ પર અસર કરે છે જેને લઇને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને પગમાં અશક્તિ આવે છે અને મોટાભાગના કિસ્સાઓમાં પગમાં લકવો થઈ જાય છે. એક અભ્યાસ પ્રમાણે ઓછા રાંધેલા મરઘીના માસમાંથી પણ જીબીએસ રોગ ના બેક્ટેરિયા મળી આવે છે, જ્યારે એડીસ મચ્છર તેમજ વધુ પડતી ગંદકીમાં પણ આ રોગના બેક્ટેરિયા અને વાયરસ મળી આવે છે.
ગોધરા શહેરમાં હાલમાં મળી આવેલા જીબીએસ રોગના દર્દીઓમાં મોટાભાગના બાળકો અને યુવાનોનો સમાવેશ થાય છે, જેઓની ઉંમર 10 વર્ષથી લઈને 23 વર્ષ સુધીની સામે આવી છે. આ રોગના નિદાન માટે દર્દીના સ્ટુલનું સેમ્પલ મેળવીને પરીક્ષણ કરવામાં આવે છે. આ રોગથી બચવા માટે રહેણાંક મકાનો તેમજ વિસ્તારોમાં ગંદકીની નિયમિત સાફ સફાઈ, ચોખ્ખા પાણીનો ભરાવો ન થવા દેવો તેમજ વાસી ખોરાક ન લેવા જેવા સૂચન આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યાં છે.
સંપૂર્ણ રાંધેલો ખોરાક આરોગવો જોઈએ. ગોધરા શહેર માંથી મળી આવેલા તમામ દર્દીઓ હાલ વડોદરા ખાતે સારવાર અર્થે ખસેડાયા છે જ્યારે હજુ પણ કેટલાક વધુ દર્દીઓ મળી આવે તેવી સંપૂર્ણ શક્યતાઓ વચ્ચે આરોગ્ય વિભાગ તેમજ ગોધરા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં સાફ-સફાઇ, સેનિટેશન, દવા છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગોધરા શહેરમાંથી મળી આવેલા ૧૦ જેટલા કેસોમાં મોટાભાગના કેસો ગીચ વસ્તી ધરાવતા સ્લમ વિસ્તારો માંથી મળી આવ્યા છે જેથી જવાબદાર વિભાગ દ્વારા આ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તે ખુબ જ જરૂરી બને છે.