Bharuch News: ભરૂચમાં ગતરોજ રાત્રીના પડેલા ધોધમાર વરસાદના કારણે મારું ફળિયામાં રહેતા એક વ્યક્તિ હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ઘરે ફરતા ચિંગસપુરા- ગોલવાડ પાસે ખુલ્લી ગટરમાં પડી ગયો હતો. બીજા દિવસ સવારે દાંડિયા બજાર પોલીસ ચોકી નજીકથી તેનો મૃતદેહ મળતા જ પરિવારજનો પર જાણે આભ ફાટી પડ્યું હતું. યુવક ગટરમાં પડી જવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.નોકરી પરથી પરત આવતો યુવક ગટરમાં ગરકાવ થઈ ગયો હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.


ગુજરાતમાં આજથી 26 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  


રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં જળપ્રલય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અંદાજે 15 ઈંચ જેટલો વરસાદ ખાબકતા  ઉપલેટના અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા છે. ઉપલેટાનું ભીમોરા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ધોધમાર વરસાદના કારણે ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. લાઠ, તલગણા અને ભીમોરા ગામ બેટમાં ફરવાઈ ગયા છે.


ભારે વરસાદના કારણે રાજ્યના 17 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. રાજ્યના 17 ગામો છે વીજળી વિહોણા છે. સુરત જિલ્લાના સૌથી વધુ 6 ગામોમાં વીજળી ગુલ છે. ભાવનગર જિલ્લાના 5 અને રાજકોટ જિલ્લાના 4 ગામમાં, ભરૂચ અને વલસાડના 1 - 1 ગામમાં વીજ પુરવઠો ઠપ્પ છે.


રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન થયું પ્રભાવિત  છે. બપોરે 2 કલાકની સ્થિતિએ રાજ્યમાં કુલ 278 માર્ગો બંધ છે. રાજ્યમાં બપોરે 2 કલાકની સ્થિતિએ 9 સ્ટેટ હાઇવે બંધ છે. પંચાયત હસ્તકના કુલ 248 માર્ગ બંધ છે. 21 અન્ય માર્ગો પણ બપોરે 2 કલાકની સ્થિતિએ બંધ છે. દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લામાં 3 - 3 સ્ટેટ હાઇવે બંધ છે. પોરબંદર જિલ્લામાં 2 અને નર્મદા જિલ્લામાં 1 સ્ટેટ હાઇવે બંધ છે. પોરબંદર જિલ્લામાં પંચાયત હસ્તકના 82 અને અન્ય 6 માર્ગો બંધ છે. જૂનાગઢ જિલ્લામાં પંચાયત હસ્તકના 55 અને અન્ય 9 માર્ગો બંધ છે. નવસારી જિલ્લામાં પંચાયત હસ્તકના 24 માર્ગો બંધ છે. સુરત જિલ્લામાં પંચાયત હસ્તકના 22 માર્ગો બંધ છે. વલસાડ જિલ્લામાં પંચાયત હસ્તકના 22 માર્ગો બંધ છે. જામનગર જિલ્લામાં 12 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 પંચાયત હસ્તકના માર્ગો બંધ છે.