Bharuch: હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આજે વરસાદી જોરદાર ઝાપટું આવ્યું હતું. જેના કારણે લોકોને ગરમી સામે આંશિક રાહત મળી હતી. ભર વરસદમાં ભરૂચ-અંકલેશ્વર રોડ પર પુરઝડપે આવતી એસટી. બસે કારને ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જ્યારે અંકલેશ્વર-હાંસોટ રોડ પરથી પસાર થતાં રાહદારી ઉપર વૃક્ષ પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો બીજીબાજું જુના તવરા ગામે વરસાદના કાનરે 20થી વધુ મકાનોના છાપરા ઉડવા સહિત 3 ‌વિજપોલ પણ તૂટી પડ્યા હતા.


રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર સર્જાતા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લામાં ભારે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, ત્યારે ભરૂચ શહેર તથા જીલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. રવિવારની વહેલી સવારે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જોકે, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેના કારણે લોકોને ગરમી સામે આંશિક રાહત મળી હતી. દરિયાઈ કાંઠા વિસ્તારમાં પણ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. એકાએક ઠંડક પ્રસરતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. અચાનક વરસાદી ઝાપટું આવતા ખેડૂતોમાં પણ પાકને લઈને ચિંતા જોવા મળી હતી.


તો બીજીબાજુ વહેલી સવારે વરસેલા વરસાદમાં ભરૂચ-અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી. બસને પરવાનગી અપાયા બાદ પ્રથમ અકસ્માત સર્જાયો હતો. જેમાં પુર ઝડપે આવતી એસ.ટી. બસે આગળ ચાલતી કારને ટક્કર મારતા કાર તેના આગળ ચાલતી અન્ય કાર સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, વચ્ચે રહેલી કારનો બુકડો બોલી ગયો હતો, જ્યારે આગળ રહેલી કાર ડિવાઈડર પર રહેલ સ્ટ્રીટ લાઇટના પોલ સાથે ભટકાય હતી. બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં ભેગા થયા હતા. તો 108 ઈમરજન્સીની ટીમ સહિત પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિ કારમાં ફસાઈ જતાં બચાવ કામગીરી માટે લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હવે ફરી એકવાર એસટી. બસોને અહીના માર્ગથી પર અવરજવર માટે પ્રતિબંધ ફરમાવાય તેવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.


આ બાજુ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વૃક્ષો ધરાસાઈ થવાની ઘટનાઓ સામે આવી હતી. અંકલેશ્વર પંથકમાં સીઝનના પહેલા જ વરસાદમાં એક દુર્ઘટના પણ સામે આવી છે. અંકલેશ્વર-હાંસોટ રોડ પરથી પસાર થતાં રાહદારી ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટનામાં રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે 108 ઈમરજન્સીની ટીમ સહિત અંકલેશ્વર પાલિકાની ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોચી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો જુના તવરા ગામે ગાજવીજ અને પવન સાથે વરસેલા વરસાદમાં 20થી વધુ મકાનોના છાપરા ઊડ્યાં હતા, અને 3 ‌વિજપોલ પણ તૂટી પડ્યા હતા. ગામના જલારામ ફળિયા, પંજાબ ફળિયા અને નવિ વસાવાત સહિતના વિસ્તારોમાં ભારે નુકશાન થયું હતું. જોકે, સદનસીબે કોઈ ‌જાનહાની ન થતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.