Rainfall: સમગ્ર રાજ્યમાં સવારથી જ ભારે પવન અને વંટોળ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે, હવે આ મુદ્દે વધુ એક મોટુ અપડેટ સામે આવ્યું છે, આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં હજુ પણ ત્રણ કલાક ભારે વરસાદ, પવન અને વંટોળ સાથે વરસી શકે છે.
આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી -
હવામાન અપડેટ અનુસાર, રવિવારે 4થી જૂને સવારથી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, વાવાઝોડા અને ભારે પવન ફૂંકાવવાના કારણે અનેક જગ્યાએ નુકશાન થવાનુ પણ સામે આવ્યુ છે. હવે આ મામલે વધુ એક મોટી આગાહી છે કે, આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ ફરી એકવાર તૂટી પડશે. ગુજરાતમાં જુદાજુદા જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. હળવાથી મધ્યમ વરસાદ (5-15 મીમી/કલાક) સાથે હળવા વાવાઝોડાની આગાહી છે. છોટાઉદેપુરે અને નર્મદામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે જ આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં 41-61 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
ક્યાં-ક્યાં તુટી પડશે વરસાદ -
આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યના આ જિલ્લા વરસાદ તુટી પડશે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, ડાંગ, તાપી સુરેન્દ્રનગર અને રાજકોટમાં ભારે પવન -વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમીની રહી શકે છે.
રાજ્યના અનેક જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ,
કયાં વિસ્તારમાં ધોધમાર વરસાદ
અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. મોડાસા-શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. મોડાસાના લીંભોઈ, ગાજણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બાયડ તાલુકામાં પણ સવારથી ધોધમાર વરસાદની શરુઆત થઇ.
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ
બનાસકાંઠામાં સવારથી મૂશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. પાલનપુર, વડગામ, દાંતા, અંબાજીમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ધાનેરા, થરાદ, દિયોદરમાં ધોધમાર વરસાદના કારણે સવાર બહાર જતા લોકોને મુશ્કેલી પડી હતી. કાંકરેજ અને દાંતીવાડામાં ભારે વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
ગાંધીનગર જિલ્લામાં વરસાદ
આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. ગઇકાલે ભારે ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી ગાંધીનગર સહિતના આજુબાજુના વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પેથાપુર, રાંધેજા, વાવોલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો
મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ
આજે સવારથી પાટણ અને મહેસાણામાં પણ વરસાદ તૂટી પડ્યો હતો. બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગરમાં વરસાદ પડ્યો. કડી, મહેસાણા શહેર અને વિજાપુર તાલુકામાં વરસાદ પડ્યો, મહેસાણામાં ભારે પવનના કારણે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયાના અહેવાલ છે. મહેસાણાના વાલમ અને ભાંડુમાં વરસાદ પડ્યો. તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિતા વધી છે. ભારે પવનના કારણે ખેરાલુમાં વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી.
સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ
ભારે ગરમી અને બફારા બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ સવારથી વાતાવરણમા અચાનક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડ્યો અહીં સાબરકાંઠાન ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તૂટી પડતાં ઉનાળું પાકના નુકસાનને લઇને ખેડૂતોની ચિંતા વધી છે.