Bharuch News: ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDC વિસ્તારમાં ૧૬ ડિસેમ્બરે એક ૧૦ વર્ષની બાળકી પર થયેલા ક્રૂર દુષ્કર્મની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. હવે આ ઘટનામાં વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ બાળકીનું આઠ દિવસની સારવાર બાદ વડોદરાની SSG હોસ્પિટલમાં મોત થયું છે.


GIDCમાં આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતી આ બાળકી પર તેના પડોશમાં રહેતા વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મૂળ ઝારખંડનો વતની છે. દુષ્કર્મ પહેલાં આરોપીએ બાળકીના મોઢા પર પથ્થરથી વાર કરીને તેને લોહીલુહાણ કરી નાખી હતી અને ત્યારબાદ તેના ગુપ્તાંગમાં સળિયો નાખીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ક્રૂર કૃત્યને કારણે બાળકીની હાલત અત્યંત ગંભીર હતી અને તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની પ્રાથમિક સારવાર અને ઓપરેશન બાદ વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. બે દિવસમાં તેને ત્રણ યુનિટ લોહી ચઢાવવામાં આવ્યું હતું, પરંતુ તેના શરીર પર થયેલી ગંભીર ઈજાઓને કારણે તેનું શરીર સાથ આપી શક્યું નહીં અને આખરે તેણે દમ તોડ્યો હતો.


SSG હોસ્પિટલના RMOએ જણાવ્યું હતું કે બાળકીને બપોરે બે વાગ્યે કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવ્યો હતો. ડોક્ટરોની ટીમે તેને સ્ટેબલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાંજે ૫:૧૫ વાગ્યે ફરીથી કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવતા સાંજે ૬:૧૫ વાગ્યે તેનું મૃત્યુ થયું હતું. પોસ્ટમોર્ટમમાં બાળકીના શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ જવાને કારણે ઓર્ગન ફેલ થવાથી કાર્ડિયાક અટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.


આ કેસમાં પોલીસે આરોપી વિજય પાસવાનની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી. ૧૮ ડિસેમ્બરે પોલીસ આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.


એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીએ એક મહિના પહેલાં પણ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ પરિવારે સમાજમાં આબરૂ જવાની બીકે પોલીસ ફરિયાદ કરી ન હતી. જેના કારણે આરોપીની હિંમત વધી અને તેણે ફરીથી આ ક્રૂર કૃત્ય કર્યું. પોલીસે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે એક વિશેષ ટીમ બનાવી છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.


આ પણ વાંચો.....


NDAમાં CMનો ચહેરો કોણ છે? 2025માં JDUને કેટલી સીટો મળશે? પ્રશાંત કિશોરની મોટી આગાહી